જૂનાગઢ: આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા જુનાગઢ જિલ્લામાં વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા અને કુદરતી આપત્તિઓના કારણે વીજ પુરવઠાને અસર પહોંચવાના બનાવો સામે આવતા આ વખતે તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં સતત અને અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તેમજ કુદરતી આપત્તિના સમયમાં લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે PGVCL દ્વારા બહુમુખી આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં ચોમાસા દરમિયાન સર્જાતી સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 1 જૂન 2026થી જ 24 કલાક કાર્યરત રહે તેવો વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં ત્રણ અલગ-અલગ શિફ્ટમાં એન્જિનિયરો અને ક્લેરિકલ સ્ટાફની ટીમ સતત કામગીરી કરી રહી છે. હવામાનની સ્થિતિ, વીજ પુરવઠા સંબંધિત માહિતી અને કોઈપણ પ્રકારની ફરિયાદો પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી જરૂરી બને ત્યારે તાત્કાલિક પગલાં લઈ શકાય.
ચોમાસા પૂર્વે વ્યાપક સમારકામ પૂર્ણ
PGVCL દ્વારા ચોમાસા પહેલાં જ જિલ્લાના વીજ માળખાને મજબૂત બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લાના કુલ 542 ફીડરો હેઠળ આવતી આશરે 6,000 કિલોમીટર લાંબી વીજ લાઈનોનું નિરીક્ષણ અને જરૂરી સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 3,400 જેટલા ટ્રાન્સફોર્મરોની પણ ચકાસણી કરીને ખામીયુક્ત સાધનોને સુધારવામાં આવ્યા છે.
જિલ્લાના 22 સબ-ડિવિઝનમાં આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો અવિરત રહે તે માટે વીજ કંપનીએ વિશેષ આયોજન કર્યું છે. ચોમાસા દરમિયાન વીજ લાઈન તૂટવી, ટ્રાન્સફોર્મર ખામીગ્રસ્ત થવા કે વીજ થાંભલાઓને નુકસાન પહોંચવા જેવી ઘટનાઓ સામે ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે. PGVCL વર્તુળ કચેરી, જુનાગઢના અધિક્ષક ઈજનેર એચ. આર. રાઠોડના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની વીજ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે માટે તંત્ર સતત સજ્જ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ : અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
89 ટીમો અને 300થી વધુ કર્મચારીઓ સ્ટેન્ડબાય
ચોમાસા દરમિયાન વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાય અથવા કુદરતી આપત્તિના કારણે નુકસાન થાય ત્યારે તાત્કાલિક કામગીરી હાથ ધરવા માટે PGVCLએ પોતાની 33 વિશેષ ટીમો તૈયાર રાખી છે. આ ટીમોમાં કુલ 102 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત કોન્ટ્રાક્ટર આધારિત વધુ 56 ટીમો અને 207 જેટલા કર્મચારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. એટલે કે કુલ મળીને 89 ટીમો અને 300થી વધુ કર્મચારીઓ ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં મેદાનમાં ઉતરવા તૈયાર રહેશે. તંત્રનું કહેવું છે કે ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે ઝાડ વીજ લાઈનો પર પડી જાય, થાંભલાઓને નુકસાન થાય અથવા વીજ પુરવઠો ખોરવાય તો પણ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે વિશેષ મોનીટરીંગ કરવામાં આવશે.
મશીનરી અને સાધનો પણ સંપૂર્ણ તૈયાર
વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે જરૂરી મશીનરી અને સાધનો પણ અગાઉથી તૈયાર રાખવામાં આવ્યા છે. વીજ થાંભલાઓ ઉભા કરવા અને મરામત કામગીરી માટે 16 PED મશીનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત ચાર ભારે વાહનોને પણ તાત્કાલિક કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
ટાવર લેડર, પોલ ઇરેક્શન મશીન, ટ્રક, બોલેરો સહિતની તમામ જરૂરી મશીનરીને ચકાસીને કાર્યક્ષમ બનાવવામાં આવી છે. કટોકટી સર્જાય ત્યારે ટીમો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે વાહન વ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે નજીક? : જાણો ક્યારે જામશે રાજ્યમાં વરસાદી માહોલ
થાંભલાઓનો વિશાળ જથ્થો તૈયાર
ચોમાસા દરમિયાન ઘણી વખત વીજ થાંભલાઓને નુકસાન થવાના બનાવો સામે આવતા હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા જિલ્લાના તમામ સબ-સ્ટેશનો ખાતે 1,355 જેટલા સિમેન્ટના થાંભલાઓનો જથ્થો અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાય તો પણ થાંભલાની અછત ન સર્જાય તે માટે વધારાના 4,000 જેટલા થાંભલાઓનો અનામત સ્ટોક પણ તૈયાર રાખવામાં આવ્યો છે. આ આયોજનના કારણે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવી સરળ બનશે.
જનતાને અવિરત વીજ પુરવઠો આપવાનો સંકલ્પ
PGVCL દ્વારા તમામ સ્ટાફને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને ચોમાસા દરમિયાન સતત મોનીટરીંગ કરવામાં આવશે. તંત્રનો મુખ્ય હેતુ લોકોને ઓછામાં ઓછી અસુવિધા સાથે સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે.
ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિઓને કારણે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ PGVCLનો દાવો છે કે અગાઉથી કરાયેલી વ્યાપક તૈયારીઓના કારણે કોઈપણ સંજોગોમાં ઝડપથી પ્રતિસાદ આપી શકાશે. હવે વરસાદી સિઝન શરૂ થવાની તૈયારી વચ્ચે લોકોની નજર એ બાબત પર રહેશે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા આ દાવા અને તૈયારીઓ વાસ્તવિક પરિસ્થિતિમાં કેટલી અસરકારક સાબિત થાય છે.






