Home Gujarat Panchmahal Chhotaudepur Heavy Rain Jambughoda 6 Inch Rainfall

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! : જાંબુઘોડામાં 48 કલાકમાં 6 ઈંચ વરસાદ, જળાશયોમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat Rainfall
Published by: Nirali Gohil
Last Updated: Jun 20, 2026, 05:47 AM IST

Gujarat Rainfall: ગુજરાતમાં ચોમાસાએ હવે ધીમે ધીમે જોર પકડવાનું શરૂ કર્યું છે અને તેની સૌથી વધુ અસર મધ્ય ગુજરાતના પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં હરિયાળીનું વાતાવરણ સર્જી દીધું છે. મેઘરાજાની મેહરથી નદી-નાળા, કોતરો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખેતરોમાં પૂરતો ભેજ મળતાં હવે વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમી અને ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે.

જાંબુઘોડામાં બે દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં છેલ્લા 48 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. ગઈકાલે નોંધાયેલા પોણા ત્રણ ઈંચ વરસાદ બાદ શનિવારે વધુ 97 મિ.મી. એટલે કે અંદાજે 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 45 મિ.મી. વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત બીજા દિવસે વરસેલા વરસાદના કારણે બે દિવસમાં કુલ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઝબાણ, હીરાપુર, વાવ અને જાંબુઘોડા નગર સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. પરિણામે નદી-નાળા અને કોતરો બે કાંઠે વહેતા જોવા મળ્યા હતા.

હાઈવે પર વૃક્ષ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

ભારે વરસાદના કારણે હાલોલ-બોડેલી નેશનલ હાઈવે પર નારુકોટ આશ્રમ નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. સદનસીબે બસના ચાલકે સમયસૂચકતા દાખવતાં વાહનને સમયસર રોકી દીધું હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત રહ્યા હતા. જોકે, વૃક્ષ રસ્તા પર પડી જતાં હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ : અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકોને મુશ્કેલી

વરસાદના કારણે ખાખરીયા ગામ નજીક નવનિર્મિત બ્રિજ માટે બનાવવામાં આવેલ વૈકલ્પિક કાચો માર્ગ પણ ધોવાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી મરામત કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નસવાડીમાં વરસાદથી ગરમીમાંથી રાહત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ હતો. પરંતુ શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન પડેલા વરસાદે લોકોને મોટી રાહત આપી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂતો હવે ખેતરોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે વાવણીને વેગ : 4.27 લાખ હેક્ટરમાં પાક વાવેતર; ક્યાંક વરસાદ રાહત તો ક્યાંક પાણીની સમસ્યા

ગોધરામાં પણ મેઘમહેર યથાવત

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવાર સવાર સુધીમાં શહેરમાં અંદાજે 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિને પહોંચી વળવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ બુલડોઝર તથા અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરીમાં જોડાયા હતા.

ખેડૂતો માટે આશીર્વાદ સમાન વરસાદ

કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વરસાદ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધવાથી વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે અને આગામી દિવસોમાં પાકના વિકાસને પણ ગતિ મળશે. આ ઉપરાંત વરસાદના કારણે જળાશયો, તળાવો અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now