Home Gujarat Mehsana Crime Rate Rises Three Serious Crime Cases In One Week Dysp Deployment Concerned Citizens

'સેફ મહેસાણા'ના દાવા વચ્ચે ક્રાઈમનો કહેર : છેલ્લા 24 કલાકમાં 3 જીવલેણ બનાવ બન્યા

મહેસાણા પોલીસ અધિક્ષકની કચેરીની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 11:55 AM IST

MEHSANA NEWS: ઉત્તર ગુજરાતનો વિકાસશીલ ગણાતો મહેસાણા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી વધતા ગુનાખોરીના બનાવોને લઈને ચર્ચામાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાના હેતુથી કડી ડિવિઝનમાં DySP સ્તરના અધિકારીની નિમણૂંક કરવામાં આવી હોવા છતાં જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા થોડા જ દિવસોમાં જિલ્લામાં બનેલી 3 અલગ-અલગ હત્યાની ઘટનાઓએ સમગ્ર પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વિસનગરમાં યુવકની ગળું દબાવીને હત્યા, વિજાપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી જીવ લેવાયો અને કડીના મોકાસણ ગામમાં મારામારીના બનાવે હત્યાનું સ્વરૂપ ધારણ કરતાં જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોમાં ચિંતા વધી છે.

વિસનગરમાં 25 વર્ષીય યુવકની બેડરૂમમાં ગળું દબાવી હત્યા

વિસનગર શહેરમાં બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના નાયરા પેટ્રોલ પંપ સામે આવેલી એક રેસિડેન્સીમાં રહેતા 25 વર્ષીય પ્રિન્સ હર્ષદકુમાર પટેલનો મૃતદેહ તેના જ બેડરૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સે ગળે ટૂંપો આપી યુવકની જીવલેણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ અનુસાર 14 જૂનના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હોવાનું અનુમાન છે. જોકે સમગ્ર મામલો સામે આવ્યા બાદ 19 જૂનના રોજ સાંજે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના PSI રાજેન્દ્ર કાશીનાથ પાટીલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી, પરંતુ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.

વિજાપુરમાં યુવકનો મળ્યો મૃતદેહ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. વિજાપુરના મણિપુરા રોડ વિસ્તારમાં અમિત સલાટ નામના યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ યુવકની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી તેની જીવલેણ હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતદેહને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા, મોબાઈલ લોકેશન અને શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ અંગે તપાસ શરૂ કરી છે. હજુ સુધી હત્યારાઓનો કોઈ ચોક્કસ પત્તો મળ્યો નથી, પરંતુ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: ONGC નોકરી માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટનો ખેલ : મહેસાણા સિવિલ હોસ્પિટલના નકલી સિક્કા-સહીથી ચાલતું કૌભાંડ ઝડપાયું

કડીના મોકાસણમાં મારામારીનો બનાવ હત્યામાં ફેરવાયો

જિલ્લાના કડી તાલુકાના મોકાસણ ગામે થોડા દિવસ પહેલાં થયેલી મારામારીની ઘટનાએ પણ હવે ગંભીર વળાંક લીધો છે. ગામના પ્રતાપજી મોહનજી ઠાકોર પર ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલે ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા પ્રતાપજી ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ લાંબી સારવાર બાદ તેમનું મોત નીપજતાં પોલીસે હવે કેસમાં હત્યાની કલમો ઉમેરી દીધી છે. મૃતકના પુત્ર શૈલેષજી ઠાકોરે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપી ઘનશ્યામ પટેલની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહેસાણાની શાળાના આચાર્ય 2 વર્ષથી છે ન્યૂઝીલેન્ડમાં! : તંત્રે આપ્યા કડક કાર્યવાહીના સંકેત

DySPની નિમણૂંક છતાં વધતા ગુનાઓ ચિંતાનો વિષય

મહેસાણા જિલ્લામાં ખાસ કરીને કડી ડિવિઝનમાં વધતા ગુનાઓને રોકવા માટે તાજેતરમાં ડીવાયએસપી સ્તરના અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ, ગુનાખોરી નિયંત્રણ અને ગુપ્તચર તંત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવે છે. તેમ છતાં એક જ સપ્તાહમાં જિલ્લામાં ત્રણ ગંભીર ગુનાઓ સામે આવતા સ્થાનિકોમાં પોલીસ કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને યુવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: રૂપિયાની લેતીદેતીમાં આધેડ પર કરાયો હુમલો : આધેડે ગુમાવ્યો જીવ, આરોપી ઝડપાયો

કાયદો-વ્યવસ્થાને લઈને લોકોમાં વધતી ચિંતા

વિસનગર, વિજાપુર અને કડીમાં બનેલી આ ત્રણેય ઘટનાઓએ મહેસાણા જિલ્લાના નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વધારી છે. લોકોનું માનવું છે કે સતત વધી રહેલી ગુનાખોરીને રોકવા માટે પોલીસ તંત્રે વધુ કડક અને અસરકારક પગલાં ભરવાની જરૂર છે.

હાલ ત્રણેય કેસોમાં પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે અને આરોપીઓને કાયદાના સકંજામાં લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણા પોલીસ આ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલીને લોકોને સુરક્ષાનો વિશ્વાસ ક્યારે અને કેવી રીતે અપાવે છે. મહત્વની વાત એ છે કે મહેસાણા જિલ્લો રાજકિય હબ ગણાય છે મોટા નેતાઓનો ઉદ્ભવ આ જિલ્લામાંથી જ થયો છે છતા અહી ક્રાઈમની દુનિયા વિકાસ પામી રહી છે. એક તરફ મહેસાણા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ ક્રાઈમ પોતાનું મોઢું ફાળીને બેઠું છે. વિકાસ થતા શ્રમજીવી લોકોનું પણ રહેણાક મહેસાણામાં વધ્યું છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તંત્ર ક્રાઈમ રેટ પર કેવી રીતે નિયંત્રણ લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now