Home National Neet Ug 2026 Paper Leak Supreme Court Nta Gujarati News

“ગયા વર્ષથી કોઈ પાઠ શીખ્યો નથી” : NEET UG 2026 પેપર લીક મામલે SCનો NTA પર કડક સવાલ

સુપ્રીમ કોર્ટ
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 11:51 AM IST

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ના પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ગયા વર્ષે થયેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓ છતાં NTA એ પરિસ્થિતિમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. મામલાની ગંભીરતા જોતા કોર્ટે કેન્દ્ર સરકાર, NTA અને CBIને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે NTAને સૂચના આપી કે 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ભલામણો અને માર્ગદર્શિકાઓ પર અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે તેનો સંપૂર્ણ હલફનામો ગુરુવાર સુધીમાં રજૂ કરવામાં આવે. કોર્ટે નોંધ્યું કે અગાઉ પણ NEET પેપર લીક મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ મોનિટરિંગ કમિટી રચાઈ હતી, પરંતુ હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે અમલીકરણમાં ગંભીર ખામીઓ યથાવત છે.

NTA ને બદલે નવી સ્વતંત્ર સંસ્થા બનાવવાની માંગ

આ મામલે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન અનેક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET UG જેવી અતિ મહત્વપૂર્ણ અને વિશાળ પરીક્ષા માટે હાલની વ્યવસ્થા પૂરતી વિશ્વસનીય નથી અને વારંવાર થતા પેપર લીકના બનાવો લાખો વિદ્યાર્થીઓના અધિકારો સાથે ચેડાં સમાન છે.

FAIMA એ માગણી કરી છે કે NTA ના સ્થાને વધુ મજબૂત, પારદર્શક અને સ્વાયત્ત પરીક્ષા સંસ્થા રચવામાં આવે. સાથે જ, નવી વ્યવસ્થા ઊભી થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઇ-પાવર મોનિટરિંગ કમિટી બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. સૂચિત કમિટીમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ, સાયબર સિક્યોરિટી નિષ્ણાતો અને ફોરેન્સિક વૈજ્ઞાનિકોને સામેલ કરવાની માંગ ઉઠી છે.

અરજીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો કે 22.7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સ્પર્ધાત્મક પ્રક્રિયા પર સીધી અસર કરે છે.

આ પણ વાંચો: જામનગર બાદ વધુ એક જિલ્લામાં પેટ્રોલની 'સદી'! : ડીઝલના ભાવ પણ ભડકે બળ્યા, જનતામાં મિશ્ર પ્રતિસાદ

પૂર્વ ISRO પ્રમુખની કમિટી પાસે પણ માંગાયો જવાબ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સુધાર સમિતિ પાસેથી પણ સ્થિતિ અહેવાલ માંગ્યો છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ ISRO પ્રમુખ કે. રાધાકૃષ્ણન કરી રહ્યા છે. NTA ની પરીક્ષા પ્રણાલીમાં સુધારા, ટેક્નિકલ સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આ સમિતિ રચવામાં આવી હતી.

કોર્ટે પૂછ્યું કે સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણો પર અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે અને શું કોઈ અસરકારક સુરક્ષા માળખું ઊભું કરવામાં આવ્યું છે કે નહીં. આ સવાલો દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ હવે માત્ર ઘટનાની તપાસથી આગળ જઈ સમગ્ર પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે.

3 મેની પરીક્ષા બાદ ઉઠ્યો વિવાદ

NEET UG 2026ની પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી. જોકે થોડા દિવસોમાં જ વિવિધ રાજ્યોમાંથી પેપર લીક અને ગેરરીતિના આરોપો સામે આવ્યા. વધતા દબાણ અને તપાસ બાદ 12 મેના રોજ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલ સમગ્ર કેસની તપાસ CBI કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ થયેલી તમામ અરજીઓની સંયુક્ત સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે જેથી અલગ-અલગ રાજ્યો અને અરજદારોના મુદ્દાઓ પર એકસાથે નિર્ણય થઈ શકે.

આ પણ વાંચો: વડોદરામાં MGVCL કોર્પોરેટ કચેરીએ કાળી પટ્ટી બાંધી કર્મીઓનો વિરોધ : પડતર પ્રશ્નોના નિરાકરણની કરી માંગ, જાણો કયા છે પ્રશ્નો

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા

પરીક્ષા રદ થયા બાદ દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. ઘણા વિદ્યાર્થીઓએ વર્ષો સુધી તૈયારી કર્યા બાદ પરીક્ષા આપી હતી, પરંતુ હવે ફરી પરીક્ષા લેવાની સંભાવનાએ માનસિક દબાણ વધાર્યું છે. સોશિયલ મીડિયા પર પણ NTAની વિશ્વસનીયતા અને પરીક્ષા સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now