દેશભરમાં ફરી એક વખત ઇંધણના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારાની સીધી અને આકરી અસર સંસ્કારી નગરી વડોદરામાં જોવા મળી રહી છે. આજે શહેરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલના ભાવમાં ₹2.71 નો ધરખમ વધારો ઝીંકાયો છે. આ સાથે જ વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹101.47 અને ડીઝલનો ભાવ ₹97.57 પ્રતિ લિટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથો ભાવવધારો છે, જેના કારણે સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ગ્રાફ પર નજર કરીએ તો, ગત 15 મે બાદથી ઇંધણના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ₹3 નો વધારો, ત્યારબાદ અનુક્રમે 90 પૈસા અને 87 પૈસાના વધારા બાદ આજે ફરી મોટો ભાવવધારો ઝીંકાતા જનતા ત્રાસી ગઈ છે. મે 2022 પછી પેટ્રોલ-ડીઝલના આ ભાવ સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે.
આ પણ વાંચો: "લોકશાહીનો વિજય, ધાકધમકી આપનારનો પરાજય" : ફાલ્ટા વિધાનસભા જીત બાદ પ્રધાનમંત્રી મોદીની મોટી પ્રતિક્રિયા, કાર્યકરોને પાઠવ્યા અભિનંદન
ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર
તેલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજી અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) વિસ્તારમાં વધેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આયાત ખર્ચમાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયો નબળો પડતાં તેલની આયાત વધુ મોંઘી બની છે, જેના કારણે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે. સરકારી કંપનીઓ (IOC, BPCL, HPCL) ની સાથે હવે નાયરા એનર્જી, શેલ અને જિયો-બીપી જેવી ખાનગી કંપનીઓએ પણ નવો ભાવવધારો લાગુ કરી દીધો છે.
વડોદરાવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયા
આ આકરા ભાવવધારા સામે વડોદરાના નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક સંતોષી નાગરિકોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિઓ જોતાં સરકાર પણ મજબૂર છે, એટલે ભાવ વધારો તો થવાનો જ છે. જ્યારે મધ્યમ વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોનું કહેવું છે કે, "એક તરફ પગાર વધતા નથી અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે."
આ પણ વાંચો: વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો : ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત
આગામી દિવસોમાં મોંઘવારી વધવાની આશંકા
આર્થિક નિષ્ણાતોના મતે, ઇંધણના આ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડશે. જેના કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ, અનાજ અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, જે સામાન્ય પરિવારોના ખિસ્સા પર વધુ ભાર મૂકશે.






