Home Business Lpg Subsidy New Ekyc Rule June Deadline

LPG સબસિડી માટે નવા નિયમ : 30 જૂન પહેલાં કરવું પડશે આ કામ

LPG Subsidy, e-KYC
Published by: Vishal Dave
Last Updated: May 25, 2026, 03:30 PM IST

દેશમાં LPG ગેસ સિલિન્ડર અને તેની સબસિડીને લઈને ફરી એકવાર મોટો અપડેટ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે હવે ગેસ સબસિડી માટે e-KYC ફરજિયાત બનાવી છે. એટલે કે, જે ગ્રાહકો સમયસર પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરે અથવા ગેસ કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરે, તેમના ખાતામાં આવતી સબસિડી બંધ થઈ શકે છે. સરકાર દ્વારા 30 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના કારણે લાખો ગ્રાહકોમાં ચિંતા વધી છે.

LPG સબસિડી માટે હવે બદલાયા નિયમો

સરકાર છેલ્લા કેટલાક સમયથી LPG સબસિડી સિસ્ટમને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે સતત પગલાં લઈ રહી છે. હવે નવા નિયમ મુજબ દરેક ગેસ ગ્રાહકે e-KYC પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.

સરકારનું માનવું છે કે આ પ્રક્રિયા દ્વારા ફેક કનેક્શન, ડુપ્લિકેટ લાભાર્થી અને ગેરકાયદેસર સબસિડી લેતા લોકો સામે કાર્યવાહી સરળ બનશે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું હતું કે એક જ વ્યક્તિના નામે અનેક કનેક્શન સક્રિય હતા અથવા ખોટી માહિતીના આધારે સબસિડી લેવામાં આવતી હતી. હવે e-KYCથી ગ્રાહકની ઓળખ સીધી આધાર અને UIDAI સાથે વેરિફાઈ થશે.

આ લોકોને નહીં મળે સબસિડીનો લાભ

નવા નિયમો અનુસાર હવે એવા ગ્રાહકોને સબસિડી મળવાની બંધ થઈ શકે છે જેમણે હજુ સુધી ગેસ કનેક્શન સાથે આધાર લિંક નથી કર્યું. ઉપરાંત જેમની e-KYC પ્રક્રિયા અધૂરી રહેશે તેઓ પણ DBT દ્વારા મળતી સબસિડીથી વંચિત રહી શકે છે. ઘણા લોકો હજુ સુધી જૂના મોબાઇલ નંબર અથવા ખોટી વિગતો સાથે ગેસ ખાતું ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ સબસિડી અટકી શકે છે. સરકાર હવે તમામ ગ્રાહકોની વિગતો ડિજિટલ રીતે ચકાસી રહી છે.

30 જૂન સુધીનો મહત્વપૂર્ણ સમય

સરકારે e-KYC માટે 30 જૂનની અંતિમ તારીખ નક્કી કરી છે. જો ગ્રાહક આ તારીખ પહેલાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો આગામી મહિનાથી તેમના ખાતામાં સબસિડીના પૈસા આવવાનું બંધ થઈ શકે છે. આ કારણે હવે Indian Oil, HP Gas અને Bharat Gas જેવી કંપનીઓ પણ ગ્રાહકોને સતત SMS અને એપ નોટિફિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરવાની યાદ અપાવી રહી છે.

ઘરે બેઠા પણ કરી શકાશે e-KYC

સરકાર અને ગેસ કંપનીઓએ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મોબાઇલ એપ આધારિત e-KYC સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો IndianOil One, HP Pay અથવા BharatGas એપ મારફતે ઘરે બેઠા થોડા મિનિટોમાં પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. એપમાં લોગિન કર્યા બાદ “Re-KYC” વિકલ્પ પસંદ કરવો પડે છે. ત્યારબાદ Face Scan દ્વારા ઓળખ ચકાસવામાં આવે છે. UIDAI સિસ્ટમ ચહેરાની ઓળખને આધાર માહિતી સાથે મેચ કરે છે અને પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ કાગળની જરૂર પડતી નથી.

ઓનલાઈન પ્રક્રિયા ન આવડતી હોય તો શું કરવું?

ઘણા લોકો માટે મોબાઇલ એપ અથવા ઓનલાઈન પ્રક્રિયા સરળ ન હોઈ શકે. ખાસ કરીને ગામડાઓ અને વડીલ લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકો નજીકની ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રિબ્યુટર ઓફિસમાં જઈ શકે છે. ત્યાં ગ્રાહકે આધાર કાર્ડ, ગેસ કનેક્શન પાસબુક અને મોબાઇલ નંબર સાથે જવું પડશે. એજન્સીનો કર્મચારી Fingerprint Verification દ્વારા તરત e-KYC પૂર્ણ કરી આપશે.

હાલમાં LPG ગ્રાહકો કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે?

દેશના અનેક વિસ્તારોમાં LPG સિલિન્ડર ઉપલબ્ધતા અને કિંમતોને લઈને પહેલેથી જ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં સિલિન્ડર સમયસર નથી મળતા અને કેટલાક સ્થળોએ બ્લેક માર્કેટિંગના પણ આક્ષેપ થાય છે. ખાસ કરીને જેમના પાસે સત્તાવાર કનેક્શન નથી તેઓને વધારે કિંમતે સિલિન્ડર ખરીદવા પડે છે. હવે સબસિડી માટે નવા નિયમ લાગુ થતાં સામાન્ય ગ્રાહકોની ચિંતા વધુ વધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now