ભારતમાં ક્લીન એનર્જી અને ગ્રીન ફ્યુઅલને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે પેટ્રોલ અને ડીઝલ સાથે સાથે CNG, LNG અને હાઇડ્રોજન ફ્યુઅલ ડિસ્પેન્સરની પણ સખત તપાસ અને વેરિફિકેશન કરવામાં આવશે. ઉપભોક્તા મામલા વિભાગ દ્વારા 24 મે, 2026ના રોજ લીગલ મેટ્રોલોજી નિયમોમાં ફેરફાર કરીને Government Approved Test Centres (GATC)ના કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે.
આ નવા નિયમો હેઠળ હવે આધુનિક ગ્રીન ફ્યુઅલ ડિસ્પેન્સરોને પણ સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર ચકાસવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રાહકોને ચૂકવેલા પૈસાની સામે યોગ્ય માત્રામાં ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત થશે અને ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે.
ગ્રીન ફ્યુઅલ તરફ ઝડપથી વધી રહ્યો છે ભારત
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં CNG અને LNG વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સાથે સાથે હાઇડ્રોજન ફ્યુઅલ ટેક્નોલોજીને ભવિષ્યના મહત્વના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર પહેલેથી જ ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન એનર્જી અને સ્વચ્છ ઈંધણ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.
આ પરિસ્થિતિમાં ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સિસ્ટમની પારદર્શિતા અને ચોકસાઈ જાળવવી જરૂરી બની ગઈ હતી. નવા નિયમો દ્વારા હવે ફ્યુઅલ માપન પ્રક્રિયામાં વધુ વિશ્વસનીયતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ
23 પ્રકારના સાધનો હવે GATC હેઠળ
નવી વ્યવસ્થા અનુસાર હવે GATC માત્ર વજન અને માપના સાધનો પૂરતું મર્યાદિત નહીં રહે. પેટ્રોલ, ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સરની પણ નિયમિત તપાસ થશે.
અગાઉ આ વ્યવસ્થા માત્ર 18 પ્રકારના ઉપકરણો પર લાગુ પડતી હતી, પરંતુ હવે પાંચ નવા ફ્યુઅલ ડિસ્પેન્સર ઉમેરાતા કુલ સંખ્યા 23 થઈ ગઈ છે. આ બદલાવને ભારતના બદલાતા ફ્યુઅલ માર્કેટ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
ગ્રાહકોને શું મળશે ફાયદો?
સરકાર અનુસાર આ નિર્ણયનો સૌથી મોટો લાભ સામાન્ય ગ્રાહકોને મળશે. લાંબા સમયથી ગ્રાહકો દ્વારા એવી ફરિયાદો કરવામાં આવતી હતી કે પેટ્રોલ પંપ અથવા ગેસ સ્ટેશન પર ઓછું ઈંધણ આપવામાં આવે છે.
નવી ચકાસણી પદ્ધતિથી હવે ગ્રાહકે જેટલા પૈસા ચૂકવ્યા હોય તેટલું જ ઈંધણ મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આથી ફ્યુઅલ ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કેસોમાં ઘટાડો થઈ શકે છે.
વેરિફિકેશન ફી પણ નક્કી
સરકારે નવા નિયમો હેઠળ વેરિફિકેશન માટેની ફી પણ જાહેર કરી છે. પેટ્રોલ અને ડીઝલ ડિસ્પેન્સર માટે પ્રતિ નોઝલ રૂ. 5,000 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર માટે પ્રતિ નોઝલ રૂ. 10,000 ફી રાખવામાં આવી છે.
આ વ્યવસ્થામાં પ્રાઈવેટ લેબ્સ અને ટેક્નિકલ સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવશે જેથી આધુનિક ટેક્નિકલ કુશળતાનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે.
આ પણ વાંચો: 119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો
રાજ્યોને પણ વધુ સત્તા
નવા નિયમો હેઠળ રાજ્ય સરકારોને પણ વધારાની સત્તાઓ આપવામાં આવી છે. હવે રાજ્ય સરકારો પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે વધારાના ઉપકરણો અને માપન સિસ્ટમને GATC હેઠળ સામેલ કરી શકશે.
સાથે સાથે પ્રશાસનિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે Joint Secretary અથવા તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.
ભારતના ફ્યુઅલ માર્કેટમાં આવશે મોટો બદલાવ
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આગામી વર્ષોમાં ભારતનું ફ્યુઅલ માર્કેટ ઝડપથી બદલાશે. પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNG, LNG અને હાઇડ્રોજન જેવા વિકલ્પોની માંગ સતત વધવાની શક્યતા છે.
આ સંજોગોમાં સરકારનું આ પગલું માત્ર ગ્રાહક સુરક્ષા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારતના ગ્રીન એનર્જી મિશનને મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેનાથી સ્વચ્છ ઈંધણ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે અને ગ્રીન ફ્યુઅલ અપનાવવાની ગતિ વધુ તેજ બની શકે છે.






