Home Gujarat Nayara Petrol Diesel Price Hike Gujarat Fuel Shortage News

ગુજરાતમાં ઈંધણનો ‘હાઈવોલ્ટેજ ડ્રામા’ : અફવાઓના વંટોળ વચ્ચે ‘Nayara’નો ભાવવધારો, જાણો કેટલું મોંઘું થયું ઈંધણ

nayara petrol pump
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Mar 26, 2026, 12:02 PM IST

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને ફેલાયેલી અફવાઓએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર ‘ઈંધણ ખૂટી જશે’ તેવા મેસેજ વાયુવેગે પ્રસરતા રાજ્યભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. આ ભય અને અરાજકતાના માહોલ વચ્ચે ખાનગી ક્ષેત્રની જાયન્ટ કંપની ‘નાયરા એનર્જી’એ ભાવમાં ધરખમ વધારો ઝીંકીને સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ખાનગી કંપનીનો ભાવવધારો: બળતામાં ઘી હોમ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને રશિયા-યુક્રેન સહિતના વૈશ્વિક સંઘર્ષોને પગલે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધ આવતા નાયરા એનર્જીએ પોતાના ભાવમાં મોટો ઉછાળો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલના ભાવમાં ₹3નો વધારો જાહેર કર્યો છે. હવે નાયરાના પંપ પર પેટ્રોલ ₹99.34 અને ડીઝલ ₹92.76ના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે IOCL, BPCL અને HPCL જેવી સરકારી કંપનીઓએ હજુ સુધી ભાવ વધાર્યા નથી, જેના પરિણામે સરકારી પંપો પર પ્રચંડ ભીડ જોવા મળી રહી છે.
અફવાને કારણે ડિમાન્ડમાં 4 ગણો ઉછાળો

યુદ્ધની સ્થિતિને કારણે ભારતને મળતા તેલના પુરવઠામાં કાપ આવશે તેવી અફવાઓને પગલે જે વાહનચાલકો નિયમિત ₹100-200નું ઈંધણ પુરાવતા હતા, તેઓ પણ ટાંકી ફૂલ કરાવવા દોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં ઈંધણનું વેચાણ સામાન્ય દિવસો કરતા 4 ગણું વધી ગયું છે. આ અચાનક આવેલી માંગને કારણે અનેક પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા હતા, જેણે અફવાઓને વધુ બળ પૂરું પાડ્યું હતું.

સરકારની સ્પષ્ટતા: પુરવઠો પૂરતો છે

આ ગંભીર સ્થિતિની ગૂંજ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં પણ સંભળાઈ હતી. વિપક્ષના સવાલોના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા શૃંખલામાં કોઈ જ ખામી નથી. માત્ર અફવાઓને કારણે અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે. તંત્ર દ્વારા પંપો પર વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, ભારત પાસે પૂરતો બફર સ્ટોક છે, તેથી જનતાએ ગભરાવાની જરૂર નથી. ગઈકાલ સાંજથી તંત્રની કડક દેખરેખ બાદ હવે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાની કેનાલો બની 'ડેથ ટ્રેપ'
"પોલીસકર્મીઓને 8 કલાકની શિફ્ટ આપો"
ગાંધીનગરમાં મોટો વહીવટી ફેરફાર
AI સેન્ટરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનશે GIFT City