નવસારી જિલ્લામાં સતત વરસાદ અને નદીઓમાં વધેલા જળસ્તરના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં વહેતી મુખ્ય નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. જેના કારણે નવસારી અને બીલીમોરા શહેરમાં હજારો લોકો પ્રભાવિત થયા છે અને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.
પૂર્ણા નદી ભય જનક જળસપાટીને પાર
નવસારી શહેરમાં પૂરના કારણે 15 હજારથી વધુ લોકોને અસર પહોંચી છે અને 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 24 ફૂટ પર પહોંચી છે. જેના પગલે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હિદાયત નગર, મચ્છી માર્કેટ અને ગધેવન વિસ્તારના લોકોને ટાટા બોયઝ શાળામાં ખસેડવામાં આવ્યા છે. પુરની પરિસ્થિતિના પગલે મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ધારાસભ્ય રાકેશ દેસાઈએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી.
બીલીમોરોમાં 2000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત
બીલીમોરા શહેરમાં પણ પૂરની સ્થિતિ ગંભીર બની છે. અહીં 2000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અંબિકા નદીના વધેલા જળસ્તરે વાડિયા, શિપયાર્ડ અને બંદર રોડ જેટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ કાવેરી નદીના 15 ફૂટના સપાટીએ પહોંચતાં દેસરા વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. અંબિકા અને કાવેરી નદીના વધતા જળ સ્તરથી બીલીમોરા પાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.
8 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે ખેત મજૂરી માટે ગયેલા 8 શ્રમિકો કાવેરી નદીના પાણી વધતા ખેતરમાં ફસાઈ ગયા હતા. જેમને SDRFની ટીમે ગોધાબારી અને કેવડી ગામના શ્રમિકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે.
ઉમરેઠમાં યોજાઈ BJPની ભવ્ય જાહેરસભા: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હર્ષદ પરમારે નોંધાવ્યું નામાંકન, જાણો CMએ જનતાને શું કરી અપીલ


_13c198e2-24d6-485b-81c5-a149cce563c9.gif)



