Home Gujarat Narmada Bhuchad Brother Murder Case

નર્મદામાં કાળી વિદ્યાના વહેમમાં ભાઈએ ભાઈનો લીધો જીવ : 2 ભત્રીજી ઈજાગ્રસ્ત, આરોપી ઝડપાયો

આરોપી રમેશભાઈની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 27, 2026, 10:33 AM IST

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે અંધશ્રદ્ધા અને વહેમના કારણે ભાઈએ ભાઈનો જીવ લીધો છે. કાળી વિદ્યા કરવાની શંકા પરથી ભાઈએ પોતાના જ સગા ભાઈનો ધારિયું મારી જીવ લઈ લીધો. આ બનાવમાં 2 ભત્રીજીઓને પણ ગંભીર ઈજા પહોંચી છે.

ઝગડા બાદ લેવાયો જીવ

ભૂછાડ ગામના ભવાની ફળિયામાં રહેતા રમેશ બારભાઈ વસાવા તેના નાના ભાઈ ગુર્જી બારભાઈ વસાવા અને મોટાભાઈ વિઠ્ઠલની બે દીકરીઓ સાવિત્રી અને શિલ્પા વચ્ચે કાળી વિદ્યા મામલે ઝગડો થયો હતો.

રમેશ વસાવાને પોતાના પરિવારજનો પર કાળી વિદ્યા કરવાના વહેમમાં હતો. આ જ વહેમને કારણે વારંવાર પરિવાર વચ્ચે તણાવ રહેતો હતો. ગુસ્સામાં આવી રમેશે ઘરમાંથી ધારિયું લઈ સીધો ગુર્જી વસાવા પર હુમલો કર્યો. આ સમયે ગુર્જી દુકાનેથી ચા લઈને પરત આવી રહ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ગુર્જી વસાવા ત્યાં જ ઢળી પડ્યો.

ભત્રીજીઓ પર પણ હુમલો

હત્યા કર્યા બાદ આરોપી અટક્યો નહીં. તેણે પોતાની ભત્રીજીઓ સાવિત્રી અને શિલ્પા પર પણ ધારિયાથી હુમલો કર્યો. સાવિત્રીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે શિલ્પાના હાથમાં ગંભીર ઈજા થઈ. બંનેને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસનું મોટું એક્શન : ઉદયપુર ગેંગવોરના ઇનામી આરોપીઓ ઝડપાયા

પોલીસે આરોપીને ઝડપ્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જીવલેવાનો ગુનો નોંધ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળ પરથી હથિયાર પણ જપ્ત કર્યું અને આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું.

આરોપીનો છે ગુનાહિત ઈતિહાસ

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી રમેશ વસાવા અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો રહ્યો છે. વર્ષ 2005માં તેણે પોતાના જ મોટા ભાઈની હત્યા કરી હતી અને જેલમાં ગયો હતો. પરંતુ તે સમયે તેની માતાએ સમાધાન કરીને માત્ર 8 મહિનામાં તેને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. હવે ફરી એક વખત ફરી પોતાના જ ભાઈની હત્યા કરીને આરોપીએ ગંભીર ગુનો કર્યો છે, જે તેના માનસિક અને સામાજિક વર્તન પર પ્રશ્નો ઊભા કરે છે.

આ પણ વાંચો: જામનગરમાં કાળજું કંપાવી દેતો અકસ્માત! : પૂરપાટ દોડતી કારની ટક્કરે 5 વર્ષની માસૂમ બાળકીનું મોત, માતા-પિતાની હાલત ગંભીર

અંધશ્રદ્ધા અને સામાજિક પડકાર

આ સમગ્ર ઘટના અંધશ્રદ્ધા અને કાળી વિદ્યાનાં વહેમના કારણે બની હોવાનું સામે આવ્યું છે. ગ્રામિણ વિસ્તારોમાં હજુ પણ આવા વહેમ અને અંધશ્રદ્ધા જીવલેણ સાબિત થઈ રહી છે. જે સમાજ માટે ચિંતાજનક બાબત છે.

આવા બનાવોને અટકાવવા માટે જાગૃતિ, શિક્ષણ અને માનસિક આરોગ્ય અંગેની સમજ વધારવી જરૂરી છે. પોલીસ હાલ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં અને ઝગડાનું મૂળ કારણ શું હતું તે અંગે પણ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now