Home Gujarat Ahmedabad Ahmedabad Arrest Rajasthan Gangwar Accused

અમદાવાદમાં પોલીસનું મોટું ઓપરેશન : સરખેજ વિસ્તારમાંથી ફિલ્મી ઢબે ઝડપાયા રાજસ્થાન ગેંગવોરના ખૂંખાર આરોપીઓ

ઉદપુર ગેંગવોરના આરોપી
Play Video
Image Credit: OBS Input
Published by: Chintan Chavda
Last Updated: Apr 27, 2026, 10:35 AM IST

અમદાવાદ શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે વધારાની સતર્કતા દાખવી છે. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ઝોન-7 દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ગેંગવોરમાં થયેલી હત્યાના બે મુખ્ય અને વોન્ટેડ આરોપીઓને અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પર અગાઉથી જ 10-10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા હોટલો અને ગેસ્ટહાઉસોમાં ચેકિંગ વધારવામાં આવ્યું હતું. તે દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે બે શંકાસ્પદ વ્યક્તિઓ સરખેજ વિસ્તારમાં જવાના છે. બાતમીના આધારે તરત જ એક્શન લેવામાં આવી અને બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ઉદયપુર ગેંગવોરનો પૃષ્ઠભૂમિ

પકડાયેલા આરોપીઓમાં નઈમ ઉર્ફે નઈમદુદ્દીન મોઇનુદ્દીન શેખ (ઉંમર 34) અને કુન્દનસિંહ બાલકિશનસિંહ કુશવાહ (ઉંમર 32)નો સમાવેશ થાય છે. બંને રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે અને “નઈમ ઠોકર” ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉદયપુરમાં બે કુખ્યાત ગેંગ “જાવેદ દાતના” અને “નઈમ ઠોકર” વચ્ચે લાંબા સમયથી વચસ્વ માટે અથડામણ ચાલતી હતી. 7 એપ્રિલ 2026 ના રોજ બિચ્છુ ઘાટી વિસ્તારમાં બંને ગેંગ આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન થયેલી અથડામણમાં “નઈમ ઠોકર” ગેંગના સભ્યોએ “જાવેદ દાતના” ગેંગના સભ્ય સાહિલ આરિફખાન પર છરીથી હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતી.

આ ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને રાજસ્થાન પોલીસ તેમને શોધી રહી હતી. તેમની ધરપકડ માટે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર અને લાંબો હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમના સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, આર્મ્સ એક્ટ, એનડિપીએસ એક્ટ, મારામારી, ચોરી જેવા ગુનાઓમાં અનેક કેસ નોંધાયેલા છે.

નઈમ શેખ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 15 જેટલા કેસ નોંધાયેલા છે, જેમાં ખાસ કરીને હત્યાના પ્રયાસ અને હથિયાર સાથેના ગુનાઓનો સમાવેશ થાય છે. તે જ રીતે કુન્દનસિંહ કુશવાહ સામે પણ 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસ સામેલ છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ અગાઉ જેલ સજા પણ ભોગવી ચૂક્યા છે અને તેઓ “માથાભારે” તથા “ઝનૂની” સ્વભાવના ગણાય છે.

આ પણ વાંચો: સુરતનાં પોશ વિસ્તારમાં અધવચ્ચે લિફ્ટ બંધ પડતા 11 લોકો ફસાયા : જાણો પછી શું થયું, ફલેટમાં રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

પોલીસની કાર્યવાહી

પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને તેમને રાજસ્થાન પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ માહિતી મેળવવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે જેથી ગેંગવોરના અન્ય સંડોવાયેલા તત્વો સુધી પહોંચી શકાય.

આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પૂર્વે અમદાવાદ પોલીસ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે. શહેરમાં બહારના રાજ્યોના ગુનેગારોને આશરો ન મળે તે માટે સતત ચેકિંગ અને નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now