વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીઘામ ચાર રસ્તા પાસે બપોરના સમયે એક નશામાં ચૂર યુવકે પહેલા માર્ગ અકસ્માત સર્જ્યો અને બાદમાં સ્થળ પર ભેગા થયેલા નાગરિકો સાથે દાદાગીરી શરૂ કરી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક્ટીવા પર બે યુવાનો નશાની હાલતમાં ફોર વ્હીલર ગાડીના પાછળ ટક્કર મારી અકસ્માત સર્જી ગયા હતા.
નશામાં ટક્કર માર્યા બાદ રસ્તા પર પટકાયા
ઘટનાની વિગત અનુસાર, એક્ટીવા પર સવાર દીપ પટેલ નામના યુવાને ફોરવ્હીલ ગાડીના પાછળ ટક્કર મારી, જેને પગલે તે તથા તેનો મિત્ર જય પટેલ રસ્તા પર પડી ગયા. ઘટનાસ્થળે લોકો ભેગા થયા અને ટક્કરના કારણ અંગે પૂછપરછ શરૂ કરતા બંને યુવાનોનો નશો બહાર આવતાં હલચલ મચી ગઈ હતી.
એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત, 108 મારફતે એસ.એસ.જી. ખસેડાયો
જાગૃત નાગરિકે તત્કાળ 108 ઈમરજન્સી સર્વિસ પર કૉલ કર્યો. ઇમરજન્સી ટીમે ગંભીર ઈજાઓ પામેલા દીપ પટેલને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દીપ પટેલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.
‘મારા પપ્પા ડીવાયએસપી છે’ કહીને ધમકી
ટૂ વ્હીલર પર પાછળ બેસેલો યુવાન જય પટેલ ઘટનાસ્થળે ધમકીના અહેસાસ સાથે પોતાની ઓળખ “મારા પપ્પા ડીવાયએસપી છે” એવા શબ્દોમાં આપી રહ્યો હતો અને સ્થાનિક લોકોને વિડીયો લેતા રોકી રહ્યો હતો. વિડીયો ઉતારતા લોકોને "તમે શું કરો છો? videotake કરવા નથી દેતો, જે થાય તે કરી લેજો" એવું કહી દાદાગીરીભરી ભાષા વાપરી હતી.
પત્રકારો અને સ્થાનિકો સાથે અભદ્ર વર્ત
બન્ને યુવાનો દ્વારા માત્ર નાગરિકો જ નહીં, પરંતુ ઘટના કવર કરવા આવેલા પત્રકારો સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. સ્થળ પર ઉભેલા લોકોને ધમકાવી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
માંજલપુર પોલીસ એલર્ટ પર, તપાસ શરૂ
ઘટનાની જાણ મળતાં માંજલપુર પોલીસ સ્ટેશનની પીસીઆર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરાર થયેલા દીપ પટેલને શોધવા પોલીસની ટીમો દોડતી કરી દેવામાં આવી છે. વધુ તપાસ માટે સ્થાનિક સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની તેમજ યુવાનોના નશાની પદ્ધતિની તટસ્થ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.





