ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે એક નિવેદનને લઈ વિવાદોમાં ઘેરાયા છે, જે વિવાદ ઉગ્ર બનતા તેમણે ખુલાસાનો વીડિયો પણ શેર કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો કર્યો છે.
સાંસદ દેવુસિંહ ચૌહાણે શું કહ્યું?
સાંસદ દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, ''તાજેતરમાં એક સમાજ જીવનના શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મુલાકાત દરમિયાન એક સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી હતી, ત્યારે મેં પણ એ દિશામાં, મારા ઉદગાર એ હતા કે, આપણા આસ્થાના કેન્દ્રો, આપણા ગ્રંથો -વેદ, પુરાણ, ગીતા સહિતના આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનઘડત અર્થઘટન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવા માટે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય, અને યોગ્ય માર્ગદર્શન અને સાચા અર્થમાં જ્ઞાન મળે તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ''
''ખુલાસો કરવા માટે તમારા સમક્ષ આવ્યો છું''
તેમણે કહ્યું કે, ''મારા ઘરે વર્ષોથી સંતો-મહંતો આવે અને તે લોકોના આશીર્વાદની સમાજ જીવનના આટલા વર્ષોથી મારૂ વાણી વર્તન અને વ્યવહારનો અનુભવ તમે પણ કર્યો છે. ત્યારે હુ એ જ લાગણી વ્યક્ત કરૂ છું કે, દરેક સમાજ અને વર્ગનો આદર કરૂ છું, ત્યારે તેનો યોગ્ય અર્થઘટન કરીને વાત મુકવા માટે તેમજ ખુલાસો કરવા માટે તમારા સમક્ષ આવ્યો છું''
દેવુસિંહ પર કોંગ્રેસના પ્રહાર
દેવુસિંહ ચોહાણના વીડિયો બાદ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, ''સનાતનનીઓ અને કર્મકાંડીઓને કર્મકાંડ કરતા આવડે છે તો તર્પણ કરતા પણ આવડે છે, દેવુસિંહ ચોહાણના વીડિયો મામલે બ્રહ્મસમાજમાં રોષ છે. કર્મકાંડીઓ વિશેષ ખાલી બોલ્યા હોત તો ચાલત આ સમગ્ર સનાધન ધર્મ કર્મકાંડ,પૂજા,વેદ વિશે વાણીવિલાસ છે. સનાતન ધર્મના વિરોધી પણ આવો વાણીવિલાસ ન કરે તેવો તેમણે કર્યો છે. હિન્દુત્વ અને સનાતન ધર્મના નામે તમે ચૂંટાઈ ને આવ્યા છો હિન્દુએ તમને ચૂંટ્યા છે અને તમે આવો વાણી-વિલાસ કરો તે ના ચાલે. બ્રાહ્મણને કર્મકાંડ પણ કરતા આવડે છે અને તર્પણ કરતા પણ આવડે છે'' હેમાંગ રાવલે કહ્યું કે, ''એક તરફ ભાજપના નેતા હિન્દુત્વની વાતો કરે અને બીજી બાજુ આવો વાણીવિલાસ?''
દેવુસિંહ ચૌહાણ શું બોલ્યા કે વિવાદ સર્જાયો?
સાસંદ દેવુસિંહ એક ધાર્મિક કાર્યક્રમમાં આડકતરી રીતે બ્રાહ્મણ સમાજને લઈ એક નિવેદન આપ્યાનું આક્ષેપ કરાયો હતો. જે વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ ગીતા અને વેદ સહિત કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે તેવું કહ્યું હતું. જે બાદ બ્રહ્મ સમાજ રોષે ભરાયો હતો દેવુસિંહ ચૌહાણ માફી માગે નહીં તો ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.






