મોટોરોલા તેના પ્રીમિયમ સેગમેન્ટમાં નવો ધમાકો કરવા જઈ રહી છે. કંપનીનો નવો સ્માર્ટફોન Motorola Edge 70 ટૂંક સમયમાં ભારતીય બજારમાં એન્ટ્રી કરશે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ ફોનની ડેડિકેટેડ માઈક્રોસાઈટ લાઈવ થઈ ગઈ. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઈન છે, કંપનીના દાવા મુજબ આ ફોન માત્ર 5.99mm જાડો હશે, જે તેને સૌથી સ્લીમ ફોન્સની યાદીમાં સ્થાન અપાવે છે.
ડિસ્પ્લે અને પ્રોસેસર
ગ્લોબલ વેરિઅન્ટના ફીચર્સ પર નજર કરીએ તો, Motorola Edge 70માં 6.67 ઇંચની pOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને સુપર HD રિઝોલ્યુશન સાથે આવશે. સ્ક્રીનની સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 7i પ્રોટેક્શન મળવાની શક્યતા છે. પર્ફોર્મન્સ માટે આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 સીરીઝનું (સંભવિત Snapdragon 7 Gen 4) પાવરફુલ ચિપસેટ હશે.
કેમેરા અને બેટરી
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળશે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા હશે. ખાસ વાત એ છે કે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે પણ તેમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. આટલી સ્લીમ ડિઝાઈન હોવા છતાં ફોનમાં 4,800mAh ની બેટરી હશે, જે 68W વાયર્ડ અને 15W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
અન્ય ફીચર્સ
ફ્લિપકાર્ટ બેનર મુજબ આ ફોન ગ્રે, ગ્રીન અને લાઈટ ગ્રીન જેવા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. ફોનને પાણી અને ધૂળથી રક્ષણ આપવા માટે IP68 + IP69 રેટિંગ મળેલું છે. સિક્યોરિટી માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુકેમાં આ ફોન લગભગ 80,000 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો, જોકે ભારતમાં તેની કિંમત સ્પર્ધાત્મક રહેવાની શક્યતા છે.






