રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. શનિવારે રાત્રે, રશિયન સેના દ્વારા યુક્રેન પર સેંકડો ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની આશાઓ પર પાણી ફેરવી શકે છે. રશિયાએ તાજેતરના દિવસોમાં યુક્રેન પર બોમ્બમારો અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે. આનાથી 40 મહિનાથી ચાલતા આ યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને ફટકો પડ્યો છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રવિવારે X પર પોસ્ટ કર્યું હતું કે રશિયાએ તેમની જમીન પર 300 થી વધુ ડ્રોન અને 30 થી વધુ ક્રુઝ મિસાઇલો છોડ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે આ હુમલામાં સૌથી વધુ નુકસાન ઓડેસામાં થયું છે. ઓડેસા પરના હુમલામાં એકનું મોત થયું છે અને એક બાળક સહિત છ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં યુક્રેનના ઉત્તરપૂર્વીય સુમી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે.
રહેણાંક મકાનમાં આગ
રશિયન હુમલા પછી, મેયર હેનાડી ટ્રુખાનોવે ટેલિગ્રામ પર લખ્યું હતું કે કાળા સમુદ્રના બંદર શહેર ઓડેસામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યાં 20 થી વધુ ડ્રોન અને એક મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે રહેણાંક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બચાવ કાર્યકરોએ સમયસર પાંચ લોકોને બચાવી લીધા હતા.
રશિયાએ યુક્રેન પર પણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેન તેમની સરહદમાં સતત ડ્રોન ફાયર કરી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે શનિવારે રાત્રે 71 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને કહ્યું કે રશિયન રાજધાની પહોંચતાની સાથે જ 13 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.
રશિયા સતત હુમલો કરી રહ્યું છે
રશિયાએ આ મહિને એટલે કે જુલાઈમાં યુક્રેન પર અનેક મોટા હવાઈ હુમલા કર્યા છે. ગયા અઠવાડિયામાં એક જ રાત્રે રશિયાએ યુક્રેન પર 600 થી વધુ ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા. રશિયાએ રાતોરાત 597 ડ્રોન અને 26 ક્રુઝ મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો હતો.
રશિયાએ અગાઉ એક જ રાત્રે યુક્રેન પર 700 થી વધુ ડ્રોન ફાયર કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. રશિયાએ પશ્ચિમ યુક્રેનમાં પોલેન્ડ સરહદ નજીક લુત્સ્કને નિશાન બનાવ્યું હતું. આ રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો, જેમાં 700 થી વધુ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.





