Morbi News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મોરબી જિલ્લાના આમરણ ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં જનમેદનીને સંબોધતા રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ માત્ર રાજકીય નથી, પરંતુ એક અતૂટ પારિવારિક સંબંધ છે.
જનતા સાથેનો અતૂટ સ્નેહ અને શ્રદ્ધાંજલિ
કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સ્વ. મગનભાઈ કાસુન્દ્રાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાળઝાળ ગરમીમાં પણ ઉમટી પડેલી વિશાળ જનમેદનીને જોઈ તેમણે ગદગદિત થઈ જણાવ્યું કે, "આ હાજરી સાબિત કરે છે કે ભાજપ અને આ વિસ્તારના નાગરિકો વચ્ચેનો સંબંધ આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. હું અહીં ફક્ત મત માંગવા નથી આવ્યો, પરંતુ વર્ષોથી બંધાયેલા વિશ્વાસ અને સ્નેહના ભાવાત્મક સંબંધને વધુ ગાઢ કરવા આવ્યો છું." હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા તથા ભાજપા એ માત્ર દેશનો જ નહીં, પરંતુ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન : 'વિકાસની રાજનીતિ' અને સુશાસન પર ભાર
કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા પર ભાર
કોંગ્રેસના શાસનકાળની યાદ અપાવતા સંઘવીએ જણાવ્યું કે, અગાઉના સમયમાં માતા-બહેનોને પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું અને સાંજ પછી સૌરાષ્ટ્રમાં દીકરીઓનું ઘરની બહાર નીકળવું સુરક્ષિત નહોતું. આજે સ્થિતિ બદલાઈ છે. આજે ગુજરાતમાં માતા-બહેનો અડધી રાત્રે પણ નિર્ભય થઈને ફરી શકે છે. લુખ્ખા-ટપોરી તત્વો સામે ગુજરાત પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં ધકેલી કાયદો-વ્યવસ્થા મજબૂત રાખવા કટિબદ્ધ છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ
સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતને કોંગ્રેસના કુશાસનમાંથી મુક્ત કરાવી વિકાસના પથ પર લાવવાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વને જાય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો.
યુવાનોને આહવાન
તેમણે ઉપસ્થિત યુવાનોને અપીલ કરી હતી કે તેઓ વડીલો પાસેથી કોંગ્રેસના સમયના કુશાસન અને મુશ્કેલીઓની સાચી માહિતી મેળવે અને તેને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડે, જેથી વિકાસની આ ગતિ અવિરત ચાલુ રહે. આ વિકાસ સંકલ્પ સભામાં જિલ્લા ભાજપા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાએ આગામી ચૂંટણીઓ માટે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે.





