આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાના આહ્વાન સાથે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જનમેદનીને સંબોધતા ભાજપા સરકારની વિકાસલક્ષી નીતિઓ અને સુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો.
ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે રહેનારો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "ભાજપનો કાર્યકર માત્ર ચૂંટણી સમયે જનતા પાસે જનારો નથી, પરંતુ સતત પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓ ઉકેલવા ટેવાયેલો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપા સરકાર હંમેશા પ્રજાના પ્રતિભાવોના આધારે કાર્યરત રહી છે, જેના પરિણામે આજે લોકોમાં સરકાર પ્રત્યે અતૂટ વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. સરકાર સંપૂર્ણ પારદર્શક કાર્યશૈલી સાથે પ્રજાહિતના કામો કરી રહી છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતનું 'ગ્રોથ એન્જિન' તરીકે પ્રસ્થાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઉત્તર ગુજરાતમાં રોડ, રસ્તા, વીજળી અને પીવાના પાણીની જે અછત હતી, તે આજે દૂર થઈ છે. આજે રાજ્યમાં 24 કલાક વીજળી અને ખેતી માટે દિવસે વીજળી મળી રહી છે.
ગુજરાતના વિકાસની ગતિ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં MSME ઉદ્યોગોની સંખ્યા 1.83 લાખથી વધીને 27 લાખને પાર કરી ગઈ છે. સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતનું બજેટ રૂ. 30 હજાર કરોડથી વધીને રૂ. 4 લાખ કરોડ સુધી પહોંચ્યું છે.
છેવાડાના માનવી સુધી વિકાસની પહોંચ
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, "વિકસિત ભારત માટે માત્ર બે-ચાર શહેરો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવો એ ભાજપા સરકારનો મુખ્ય ધ્યેય છે." આવાસ યોજના, આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખ સુધીની મફત સારવાર, અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ દ્વારા ગરીબ અને સામાન્ય પરિવારને મુખ્યધારામાં લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. DBT (Direct Benefit Transfer) ના માધ્યમથી સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થતા વચેટિયાઓનો અંત આવ્યો છે.
વિકાસની વણથંભી યાત્રાને વેગ આપવા આહ્વાન
અંતમાં, શ્રી પટેલે સ્પષ્ટ કર્યું કે હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, પરંતુ માત્ર 'વિકાસની રાજનીતિ' પર લડાય છે. તેમણે ઉપસ્થિત જનમેદનીને આગામી 26 એપ્રિલે જંગી મતદાન કરી ભાજપના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા અને વિકાસની આ યાત્રાને વધુ વેગવંતી બનાવવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ કનુ પટેલ, જિલ્લાના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, વી.ડી. ઝાલા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાબેન કુંવરબા સહિત અનેક ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





