આજના સમયમાં મોબાઈલ ફક્ત એક ગેજેટ નથી તે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. દિવસની શરૂઆતથી લઈને રાત્રે સુતા સુધી આપણે સતત ફોન સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મોબાઈલમાં રહેલી કેટલીક વસ્તુઓ તમારી માનસિક સ્થિતિ અને જીવન પર નકારાત્મક અસર કરી શકે છે? વાસ્તુ શાસ્ત્ર મુજબ હવે સમય આવી ગયો છે ‘ડિજિટલ ડિટોક્સ’ કરવાનો.
ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે મોબાઈલ ફોન આપણા જીવનનું કેન્દ્ર બની ગયો છે. વ્યક્તિગત માહિતી, યાદો, કામ અને મનોરંજન, બધું જ હવે એક જ ડિવાઇસમાં સમાઈ ગયું છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જેમ આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ઊર્જા ઉત્પન્ન કરે છે, તેમ મોબાઈલમાં રહેલી સામગ્રી પણ આપણા મન અને વિચાર પર અસર કરે છે. આથી, મોબાઈલને માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ ઊર્જાનો સ્ત્રોત માનવો જોઈએ. જો તેમાં નકારાત્મક અથવા બિનજરૂરી વસ્તુઓ ભરેલી હોય, તો તે તમારા મન પર પણ અસર કરે છે.
મોબાઈલમાં રહેલી નેગેટિવ સામગ્રીનો પ્રભાવ
ઘણા લોકો પોતાના ફોનમાં જૂના ફોટા, વિડિઓઝ અથવા મેસેજ રાખે છે જે તેમને દુઃખદ ઘટનાઓ યાદ અપાવે છે. આવી સામગ્રી માત્ર ડિજિટલ ડેટા નથી તે તમારી લાગણીઓ સાથે જોડાયેલી હોય છે.
વાસ્તુ અનુસાર, આવી નેગેટિવ યાદો તમને આગળ વધતા રોકે છે અને માનસિક તણાવ વધારવામાં મદદ કરે છે. તેથી, જે વસ્તુઓ તમને ઉદાસ કરે છે, તેને ફોનમાંથી દૂર કરવી જરૂરી છે.
ડિજિટલ કચરો પણ છે જોખમી
જેમ ઘરમાં કચરો રાખવો અશુભ માનવામાં આવે છે, તેમ મોબાઈલમાં પણ બિનજરૂરી ડેટા રાખવો નુકસાનકારક છે.
જૂના અને ઉપયોગમાં ન આવતા એપ્સ
સ્પામ ઈમેઇલ્સ
વર્ષો જૂના ચેટ્સ
આ બધું ‘ડિજિટલ કચરો’ ગણાય છે. આ વસ્તુઓ તમારા ફોનને ધીમો બનાવે છે અને મનમાં પણ ગૂંચવણ ઊભી કરે છે. નિયમિત રીતે ફોન ક્લીન કરવાથી માત્ર સ્ટોરેજ જ નહીં, પરંતુ તમારી માનસિક સ્પષ્ટતા પણ સુધરે છે.
તૂટેલી સ્ક્રીનનું વાસ્તુ કનેક્શન
ઘણા લોકો તૂટેલી સ્ક્રીન સાથે મોબાઈલનો ઉપયોગ ચાલુ રાખે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ નકારાત્મક ઊર્જાને આમંત્રિત કરે છે. તૂટેલી સ્ક્રીન ‘રાહુ’ના નકારાત્મક પ્રભાવ સાથે જોડાયેલી માનવામાં આવે છે.
તેના કારણે માનસિક તણાવ, ગૂંચવણ અને નિર્ણય લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી શક્ય હોય તેટલું વહેલું સ્ક્રીન રિપેર કરાવવી જરૂરી છે.
ડિજિટલ ડિટોક્સ કેવી રીતે કરશો?
મોબાઈલને પોઝિટિવ એનર્જીનું કેન્દ્ર બનાવવા માટે થોડા સરળ પગલાં લઈ શકાય:
નિયમિત રીતે બિનજરૂરી ફાઇલ્સ અને એપ્સ ડિલીટ કરો
નેગેટિવ અથવા દુઃખદ યાદો ધરાવતા ફોટા/વિડિઓ દૂર કરો
ફોનમાં માત્ર જરૂરી અને ઉપયોગી ડેટા જ રાખો
સમયાંતરે ફોનને ‘ડિજિટલ ક્લીનિંગ’ આપો
આ સરળ ટેવો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.





