બોટાદ જિલ્લાની 106-ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ એક મહત્વપૂર્ણ રાજકીય નિર્ણય લીધો છે. તેમણે વલ્લભીપુર તાલુકાના તેમના પ્રતિનિધિ પદેથી પ્રદ્યુમનસિંહ ગોહિલની હકાલપટ્ટી કરી છે અને તેમના સ્થાને દિલીપભાઈ શેતાને નવા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પ્રદ્યુમનસિંહ ગોહિલની હકાલપટ્ટી પાછળનું મુખ્ય કારણ તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો હોવાનું મનાય છે. અગાઉ સરપંચ સંમેલન દરમિયાન તેમના પર કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જેના કારણે ભાજપના જ કાર્યકરોમાં તેમની સામે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. વલભીપુરના ભાજપના કાર્યકરો પ્રદ્યુમનસિંહ ગોહિલની કાર્યપદ્ધતિથી નારાજ હતા અને આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો હતો.
આ વિવાદને પગલે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ તાત્કાલિક પગલાં ભરીને પ્રદ્યુમનસિંહ ગોહિલને પદ પરથી હટાવ્યા છે. તેમના સ્થાને નવા પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ શેતાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ જિલ્લા પંચાયતના વલભીપુર બેઠકના સદસ્ય પણ છે.
જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં કેટલાક સવાલો પણ ઉભા થયા છે. ધારાસભ્યએ પોતાના લેટરમાં પ્રતિનિધિની નિમણૂકનું કારણ ‘કામની વ્યસ્તતા’ દર્શાવ્યું છે. આ મુદ્દે સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો ધારાસભ્ય એટલા વ્યસ્ત હોય કે તેમને પ્રતિનિધિની જરૂર પડે, તો જનતાના કામો કોણ કરશે?
શું જનતાએ ધારાસભ્યને પોતાના અંગત કામ માટે નહીં, પરંતુ તાલુકાના વિકાસ અને જનતાના કામ માટે ચૂંટ્યા છે? આવા સવાલો હાલમાં રાજકીય વર્તુળોમાં અને સામાન્ય જનતામાં ચર્ચાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે આ નિર્ણય માત્ર એક રાજકીય ફેરફાર જ નહીં, પરંતુ જનતાની અપેક્ષાઓ સાથે પણ જોડાયેલો છે.






