Vadodara Gas News: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર હવે વડોદરાના નાગરિકોના રસોડા સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે LPG સિલિન્ડરના ભવિષ્યના ભાવવધારાથી બચવા વડોદરાના લોકો હવે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને પ્રથમ પસંદગી આપી રહ્યા છે. વડોદરા ગેસ કચેરી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી નવા કનેક્શન મેળવવા માટે ગ્રાહકોની લાંબી કતારો અને ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
એક જ મહિનામાં 6,000 થી વધુ અરજીઓ: LPG ના 'વળતા પાણી'
વડોદરા ગેસ લિમિટેડ (VGL) ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનામાં જ નવા PNG કનેક્શન માટે 6,000 થી વધુ નવી ઈન્કવાયરી અને અરજીઓ નોંધાઈ છે. મિડલ ઈસ્ટના તણાવને કારણે LPG રિફિલિંગમાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્યમાં સિલિન્ડરના ભાવ આસમાને પહોંચવાના ડરથી ગૃહિણીઓ અને પરિવારો હવે કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. વહેલી સવારથી જ ગેસ કચેરી પર લોકો લાઈનો લગાવી રહ્યા છે જેથી વહેલી તકે ડોમેસ્ટિક ગેસ જોડાણ મળી શકે અને સિલિન્ડર બુક કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે.
આ પણ વાંચો: વૈશ્વિક તણાવ છતાં PNG ગેસને કેમ નથી પડી રહી અસર? : જાણો ભારતની ગેસ વ્યૂહરચના
લોકોની ભારે માંગને પહોંચી વળવા તંત્ર સજ્જ: નવી ટીમો મેદાને
વડોદરામાં PNG કનેક્શન માટે નાગરિકોની અચાનક વધેલી માંગને પહોંચી વળવા માટે વડોદરા ગેસ તંત્રએ હવે યુદ્ધના ધોરણે કમર કસી છે. તંત્ર દ્વારા જનતાને ખાતરી આપવામાં આવી છે કે શહેરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) નો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અછત કે ભાવવધારાથી ગભરાવાની જરૂર નથી. સમગ્ર પ્રક્રિયાને વેગ આપવા માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્ડમાં કામ કરતી ટેકનિકલ ટીમોની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે જેથી કનેક્શન આપવાની પ્રક્રિયા અને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત, નવી અરજીઓનો ત્વરિત નિકાલ કરવા માટે સર્વેની પ્રક્રિયાને પણ તેજ બનાવી દેવામાં આવી છે, જેનાથી ગ્રાહકોએ લાંબો સમય સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે અને વહેલી તકે દરેક ઘરે ગેસ જોડાણ પહોંચાડી શકાશે.

સિક્યુરિટી ડિપોઝીટ મુદ્દે ગ્રાહકોમાં મિશ્ર પ્રતિસાદ
નવા કનેક્શનની દોડધામ વચ્ચે સિક્યુરિટી ડિપોઝીટના મામલે ગ્રાહકોમાં થોડો અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક નાગરિકોનું માનવું છે કે વર્તમાન સ્થિતિને જોતા ડિપોઝીટની રકમમાં થોડી રાહત આપવી જોઈએ. જોકે, તંત્રનું કહેવું છે કે,નિયત કરેલા શુલ્ક મુજબ જ સંપૂર્ણ પારદર્શક રીતે કામગીરી થઈ રહી છે અને કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.

શા માટે વડોદરાવાસીઓ PNG ને પસંદ કરી રહ્યા છે?
PNG તરફ વળવા પાછળ નાગરિકો નીચેના મુખ્ય કારણો જણાવી રહ્યા છે:
સલામતી અને સુવિધા: સિલિન્ડર ખતમ થઈ જવાનો ડર કે નવા સિલિન્ડરના બુકિંગ માટેની રાહ જોવાની કોઈ ઝંઝટ રહેતી નથી.
આર્થિક ફાયદો: LPG ની સરખામણીએ PNG નો વપરાશ લાંબે ગાળે ખિસ્સાને પરવડે તેવો અને કિફાયતી સાબિત થાય છે.
અવિરત પુરવઠો: મિડલ ઈસ્ટ જેવી યુદ્ધની સ્થિતિમાં પણ પાઈપલાઈન દ્વારા ગેસનો પુરવઠો વધુ સુરક્ષિત અને સતત રહેવાની શક્યતા વધુ છે.
વડોદરા ગેસ તંત્રએ નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે તમામ અરજદારોને ક્રમવાર (Priority wise) વહેલી તકે કનેક્શન ફાળવી દેવામાં આવશે.





