Home Tech/Gadgets Microsoft Security Alert Cert In Windows Office Edge

હેકર્સના નિશાન પર Windows અને Office : સરકારે જાહેર કરી તાત્કાલિક ચેતવણી

Microsoft security alert, CERT-In warning
Published by: Vishal Dave
Last Updated: Apr 28, 2026, 04:55 PM IST

જો તમે રોજિંદા કામ માટે Microsoft Windows, Microsoft Office અથવા Microsoft Edgeનો ઉપયોગ કરો છો, તો આ સમાચારને અવગણવું ભારે પડી શકે છે. ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ તાજેતરમાં એક હાઈ-રિસ્ક એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આ તમામ સિસ્ટમમાં ગંભીર સુરક્ષા ખામીઓ હોવાનું જણાવાયું છે.

કયા યુઝર્સ સૌથી વધુ જોખમમાં?

આ ચેતવણી માત્ર ટેકનિકલ યુઝર્સ માટે જ નથી, પરંતુ સામાન્ય લોકો માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ મુજબ Windows 10 અને Windows 11 સહિતના અનેક Windows Server વર્ઝન આ ખામીથી પ્રભાવિત છે. તે સિવાય, ઓફિસમાં રોજ ઉપયોગમાં લેવાતા Word, Excel જેવા ટૂલ્સ અને Edge બ્રાઉઝર પણ આ જોખમ હેઠળ છે. એટલે કે ઘરેલુ યુઝરથી લઈને મોટી કંપનીઓ અને MSMEs સુધી દરેક માટે આ ચેતવણી મહત્વપૂર્ણ બની છે.

શું થઈ શકે છે નુકસાન?

CERT-In મુજબ, આ ખામીઓનો ઉપયોગ કરીને હેકર્સ તમારા સિસ્ટમમાં ઘૂસી શકે છે અને:

  • પોતાની મરજીનો કોડ ચલાવી શકે

  • સિસ્ટમ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકે

  • સંવેદનશીલ માહિતી ચોરી શકે

  • અથવા આખી સિસ્ટમને બંધ કરી શકે

સરળ શબ્દોમાં કહીએ તો, જો સમયસર સાવચેતી ન રાખવામાં આવે તો તમારું ડેટા અને ડિવાઇસ બંને જોખમમાં પડી શકે છે.

ખામી પાછળના મુખ્ય ટેકનિકલ કારણો

આ સુરક્ષા ખામીઓ પાછળ કેટલાક મહત્વપૂર્ણ ટેકનિકલ મુદ્દાઓ જવાબદાર છે:

  • ઇનપુટ વેરિફિકેશનમાં ખામી

  • મેમરી મેનેજમેન્ટમાં ગડબડ

  • એક્સેસ કંટ્રોલમાં નબળાઈ

કેટલાક કેસમાં, ફક્ત કોઈ શંકાસ્પદ ફાઇલ ખોલવી કે ખોટી લિંક પર ક્લિક કરવી પણ હેકિંગનો માર્ગ બની શકે છે. કેટલાક અદ્યતન હુમલાઓ તો એવા હોય છે જેમાં યુઝરની કોઈ ભૂલ પણ જરૂરી નથી.

એડમિન યુઝર્સ માટે વધુ મોટો ખતરો

જો તમે તમારા કમ્પ્યુટરમાં એડમિન એકાઉન્ટથી લોગિન કરો છો, તો જોખમ વધુ વધી જાય છે. કારણ કે હેકર્સને વધારે ઍક્સેસ મળે છે, જેનાથી:

  • મોટી પાયે ડેટા ચોરી થઈ શકે

  • ઓફિસ નેટવર્કમાં વિક્ષેપ આવી શકે

  • બિઝનેસ ઓપરેશન પર અસર પડી શકે

ખાસ કરીને કંપનીઓ માટે આ ખામી ગંભીર સાબિત થઈ શકે છે.

બચાવનો સૌથી સરળ અને અસરકારક ઉપાય

સારા સમાચાર એ છે કે આ ખામીઓ માટે સિક્યોરિટી અપડેટ્સ જાહેર થઈ ચૂક્યા છે. યુઝર્સ માટે સૌથી મહત્વપૂર્ણ સલાહ એ છે કે તેઓ તરત જ પોતાના સિસ્ટમને અપડેટ કરે.

  • નિયમિત અપડેટ ઇન્સ્ટોલ કરો

  • શંકાસ્પદ ઇમેલ અને લિંક્સથી દૂર રહો

  • એન્ટીવાયરસ અને ફાયરવોલ સક્રિય રાખો

આ સરળ પગલાં તમને મોટા સાયબર હુમલાથી બચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now