Meta : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવી રહી છે, પરંતુ તેની બીજી બાજુ રોજગારી માટે AI ક્રાંતિ ખતરનાક સાબિત થઈ રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી દિગ્ગજ સેવાઓનું સંચાલન કરતી કંપની 'Meta' એ ફરી એકવાર મોટા પાયે છટણીની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ વખતે આશ્ચર્યની વાત એ છે કે, કંપની ખોટમાં નથી, છતાં હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. આ નિર્ણય પાછળનું એકમાત્ર અને સૌથી મોટું કારણ AI નો વધતો જતો પ્રભાવ છે.
નોકરીઓ પર મોટું સંકટ
હાલના રિપોર્ટ્સ અનુસાર, મેટા તેના કુલ વર્કફોર્સના લગભગ 10 ટકા એટલે કે, અંદાજે 8,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. જોકે, આ આંકડો અહીં જ નથી અટકતો. કંપનીએ આગામી સમય માટે નક્કી કરેલી 6,000 નવી નોકરીઓની ભરતી (Job Roles) પણ ફ્રીઝ કરી દીધી છે. આનો અર્થ એ થયો કે, કુલ 14,000 જગ્યાઓ પર તેની સીધી અસર પડશે. વર્ષ 2022 થી શરૂ થયેલો છટણીનો આ સિલસિલો હવે મનુષ્યોને બદલે મશીનો પર નિર્ભરતા તરફ વળી રહ્યો હોય તેમ લાગે છે.
શું AI જ નોકરીઓ છીનવી રહ્યું છે?
મેટાની અંદર થઈ રહેલા ફેરફારો સ્પષ્ટ સંકેત આપે છે કે, AI હવે માત્ર એક સપોર્ટિવ ટૂલ નથી, પરંતુ તે કામ કરવાની પદ્ધતિને મૂળમાંથી બદલી રહ્યું છે. કંપની એવી સિસ્ટમ્સ વિકસાવી રહી છે, જે મનુષ્યો દ્વારા કરવામાં આવતા જટિલ કામો જાતે કરી શકે છે. દાખલા તરીકે, સોફ્ટવેર કોડિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને ડેટા એનાલિસિસ જેવા કાર્યો હવે AI ટૂલ્સ દ્વારા મિનિટોમાં પૂરા થાય છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ સ્વીકાર્યું છે કે, તેમની કંપનીમાં 70% કોડિંગ હવે AI ની મદદથી થઈ રહ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે, શા માટે ટેક પ્રોફેશનલ્સની જરૂરિયાત ઘટી રહી છે.
ઝુકરબર્ગનું નવું વિઝન અને રોકાણ
માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કરી દીધું છે કે, મેટાનું ભવિષ્ય હવે સોશિયલ મીડિયા કરતાં AI માં વધુ છે. કંપની 2026 માં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુપરકોમ્પ્યુટર્સ પાછળ અબજો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણ પાછળનો હેતુ મનુષ્યો પરની નિર્ભરતા ઘટાડીને મશીન લર્નિંગ મોડલ્સને સજ્જ કરવાનો છે. ટેક જાયન્ટ્સ હવે લાખો કર્મચારીઓ રાખવાને બદલે હાઇ-ટેક મેનપાવર અને એડવાન્સ્ડ અલ્ગોરિધમ્સ પર વધુ દાવ લગાવી રહી છે.
બદલાતું જોબ માર્કેટ અને નવી તકો
જોકે, આ ફેરફારનો અર્થ એ નથી કે, બધી જ નોકરીઓ ખતમ થઈ જશે. મેટા જ્યાં એક તરફ સામાન્ય ઓફિસ જોબ્સ અને એડમિનિસ્ટ્રેટિવ રોલ્સમાં કાપ મૂકી રહી છે, ત્યાં બીજી તરફ AI એન્જિનિયર્સ, ડેટા સાયન્ટિસ્ટ અને મશીન લર્નિંગ એક્સપર્ટ્સની ઝડપથી ભરતી પણ કરી રહી છે. આ પરિવર્તન એ વાતનો પુરાવો છે કે, હવે કામ કરવા માટે માત્ર ડિગ્રી નહીં, પણ AI સાથે તાલ મિલાવવાની કુશળતા (Skill-set) અનિવાર્ય બની ગઈ છે. જે કર્મચારીઓ પોતાની જાતને અપગ્રેડ નહીં કરે, તેમના માટે આવનારો સમય વધુ મુશ્કેલ બની શકે છે.





