Home Tech/Gadgets Meta Ai Smart Glasses Privacy Breach Scandal

બેડરૂમથી ટૉયલેટ સુધી કઈં જ પ્રાઈવેટ નહીં : Metaના AI સ્માર્ટ ચશ્માથી રેકોર્ડ વીડિયો જોવા કર્મચારીઓ મજબૂર

બેડરૂમથી ટૉયલેટ સુધી કઈં જ પ્રાઈવેટ નહીં
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 07:30 PM IST

શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમારી આંખો પર પહેરેલા સ્માર્ટ ચશ્મા તમારી અંગત જિંદગીમાં જાસૂસીનું માધ્યમ બની શકે છે? Metaના AI સજ્જ સ્માર્ટ ગ્લાસીસને લઈને હાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ કેન્યાના નૈરોબીમાં બેઠેલા કર્મચારીઓ તે તમામ વીડિયો ફૂટેજ જોવા માટે મજબૂર છે જે યુઝર્સે પોતાના સ્માર્ટ ચશ્મા દ્વારા કેપ્ચર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે Meta દ્વારા RayBanના સહયોગથી કેમેરા અને માઇક્રોફોન ધરાવતા અત્યાધુનિક સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કરવામાં આવ્યા છે.

સ્વીડિશ અખબારોના રિપોર્ટ અનુસાર ડેટા લેબલિંગના બહાને આ ફૂટેજનું મેન્યુઅલ રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. સૌથી ભયાનક બાબત એ છે કે આ ક્લિપ્સમાં લોકોના બેડરૂમથી લઈને તેમના અત્યંત અંગત પળો સુધીના ફૂટેજ સામેલ છે. આ ઘટનાએ ટેકનોલોજીની દુનિયામાં પ્રાઈવસી અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાડી છે.

અંગત પળો પણ સુરક્ષિત નથી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્યાની Sama નામની કંપનીમાં કામ કરતા ડેટા એનોટેટર્સ યુઝર્સના અત્યંત પ્રાઈવેટ વીડિયો જુએ છે. આ ફૂટેજમાં લોકો કપડાં બદલતા, શૌચાલયનો ઉપયોગ કરતા અને શારીરિક સંબંધો બાંધતા હોવાની પણ વિગતો સામે આવી છે. એક કર્મચારીએ જણાવ્યું કે તેમણે લિવિંગ રૂમથી લઈને નગ્ન શરીરો સુધી બધું જ જોવું પડે છે. ઘણીવાર યુઝર્સ ફૂટેજમાં પોતાની બેંક વિગતો પણ અજાણતા જાહેર કરી દેતા હોય છે. કર્મચારીઓનું કહેવું છે કે જો તેઓ આ બાબતે પ્રશ્નો ઉઠાવે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.

પ્રાઈવસી પોલિસીની ગૂંચવણ

Meta હંમેશા દાવો કરે છે કે તેમના સ્માર્ટ ગ્લાસીસ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા છે પરંતુ કંપનીની પોલિસી કંઈક અલગ જ સંકેત આપે છે. Metaની પોલિસીમાં સ્પષ્ટતા વગર લખવામાં આવ્યું છે કે Meta AI સાથેની તમારી વાતચીત અને ફૂટેજનું રિવ્યુ ‘Automated’ અથવા ‘Manual’ એટલે કે માણસો દ્વારા થઈ શકે છે. કંપની યુઝર્સને એવી પણ સલાહ આપે છે કે તેઓ AI સાથે એવી કોઈ માહિતી શેર ન કરે જેને તેઓ ગુપ્ત રાખવા માંગતા હોય.

વેચાણમાં મોટો ઉછાળો અને વધતી ચિંતા

EssilorLuxotticaની મદદથી તૈયાર થયેલા આ ચશ્માની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025માં આ ચશ્માના 70 Million યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે તે પહેલાના વર્ષોમાં આ આંકડો માત્ર 20 Million સુધી મર્યાદિત હતો. જેમ જેમ આ ટેકનોલોજી લોકોના ઘરો સુધી પહોંચી રહી છે તેમ તેમ તેના કડક નિયમો અને સુરક્ષા ધોરણો અંગેની માંગ વધુ પ્રબળ બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now