Meta હવે માત્ર સામાન્ય ચેટબોર્ટ્સ કે ચિત્રો બનાવવા સુધી મર્યાદિત રહેવા માંગતું નથી. માર્ક ઝુકરબર્ગનું લક્ષ્ય હવે એવા AI સિસ્ટમ પર છે જે માનવીય હસ્તક્ષેપ વગર જટિલ નિર્ણયો લઈ શકે અને આયોજનબદ્ધ રીતે કાર્યો પૂર્ણ કરી શકે. આ દિશામાં આગળ વધતા Metaએ અત્યંત ઝડપથી વિકસતા AI સ્ટાર્ટઅપ Manusને હસ્તગત કરીને એક મોટું પગલું ભર્યું છે. જ્યારે ટેકનોલોજી જગત એવા AI ની શોધમાં છે જે માત્ર જવાબો આપવાને બદલે સંપૂર્ણ કામગીરી સંભાળી શકે ત્યારે આ ડીલ ખૂબ જ મહત્વની સાબિત થશે.
Metaએ શા માટે Manus પર પસંદગી ઉતારી?
આ સંપાદન Metaની લાંબા ગાળાની AI વ્યૂહરચનાનો એક ભાગ છે. કંપની પોતાની સોશિયલ મીડિયા એપ્સ, બિઝનેસ ટુલ્સ અને Meta AI આસિસ્ટન્ટમાં એડવાન્સ ઓટોમેશન સિસ્ટમને ઝડપથી સામેલ કરવા ઈચ્છે છે. આ સોદાની ચોક્કસ રકમ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે સ્પષ્ટ છે કે Meta હવે વાસ્તવિક દુનિયામાં ઉપયોગી એવા AI એજન્ટ્સને મોટા પાયે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
Manus AI ની કાર્યપદ્ધતિ અને વિશેષતા
Manus એક એવું પ્લેટફોર્મ છે જે જટિલ અને અનેક તબક્કાઓ ધરાવતા કાર્યો પોતાની મેળે પૂર્ણ કરી શકે તેવા AI એજન્ટ્સ તૈયાર કરે છે. આ એજન્ટ્સ માર્કેટ રિસર્ચ કરવા, કોડિંગ લખવા અને સુધારવા તેમજ મોટા ડેટા સેટનું વિશ્લેષણ કરવામાં સક્ષમ છે. ચાલુ વર્ષે Manus ત્યારે લાઈમલાઈટમાં આવ્યું જ્યારે તેણે દાવો કર્યો કે તેનો મુખ્ય AI એજન્ટ અમુક પરિસ્થિતિઓમાં OpenAIના DeepResearch કરતા પણ વધુ સારું પરિણામ આપી શકે છે. આ દાવાએ જ તેને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે.
ઝડપી આર્થિક વૃદ્ધિએ ખેંચ્યું ધ્યાન
નવી કંપની હોવા છતાં Manusની આર્થિક પ્રગતિ આશ્ચર્યજનક રહી છે. લોન્ચિંગના માત્ર 8 મહિનામાં જ કંપનીની વાર્ષિક આવક 100 મિલિયન ડોલરને વટાવી ગઈ હતી અને તેનો રન રેટ 125 મિલિયન ડોલરથી પણ વધુ હતો. ફ્રી અને પેઈડ સબસ્ક્રિપ્શન મોડલ દ્વારા તેણે વિશ્વભરમાં લાખો યુઝર્સ અને બિઝનેસ હાંસલ કર્યા છે જે Meta માટે એક તૈયાર ગ્રાહક આધાર પૂરો પાડશે.
સિંગાપોર સુધીની સફર અને મજબૂત રોકાણકારો
Manus ની સ્થાપના પાછળ પણ એક રસપ્રદ ગાથા છે. તેની શરૂઆત ચીનના સ્ટાર્ટઅપ Butterfly Effect (જે Monica.im તરીકે જાણીતું છે) ના એક ભાગ રૂપે થઈ હતી. બાદમાં તે એક સ્વતંત્ર કંપની બની અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માટે તેનું હેડક્વાર્ટર સિંગાપોર ખસેડવામાં આવ્યું હતું. કંપનીએ Benchmarkની આગેવાનીમાં 75 મિલિયન ડોલરની સિરીઝ B ફંડિંગ મેળવી છે. ઉપરાંત તેને Tencent અને HongShan Capital Group જેવા દિગ્ગજ રોકાણકારોનું સમર્થન પ્રાપ્ત છે. Alibabaની Qwen AI ટીમ સાથે પણ તેની ભાગીદારી રહી છે.
ભવિષ્યમાં શું ફેરફાર થશે?
Meta સાથેના આ જોડાણ પછી પણ Manus ની સબસ્ક્રિપ્શન સર્વિસ અગાઉની જેમ જ ચાલુ રહેશે. કંપનીના તમામ કર્મચારીઓ હવે Meta ની AI ટીમમાં જોડાઈ જશે. Manusના CEO શાઓ હોંગના જણાવ્યા અનુસાર Meta જેવું મોટું પ્લેટફોર્મ મળવાથી કંપનીને સ્થિરતા મળશે પરંતુ પ્રોડક્ટની કાર્યપદ્ધતિ અને નિર્ણયો લેવાની સ્વતંત્રતામાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવશે નહીં. Meta માટે આ સોદો માત્ર ટેકનોલોજી નહીં પરંતુ પ્રતિભાશાળી માનવબળ મેળવવાનો પણ એક માર્ગ છે.





















