Home Gujarat Mega Demolition In Dwarka Government Land Illegal Construction Removed

ચૂંટણીના પડઘમ શાંત થતા જ તંત્રનું બુલડોઝર ગુંજ્યું : આરંભડા અને રૂપાળબંદરમાં ગેરકાયદે દબાણોનો સફાયો

Dwarka Okha Arambhada Mega Demolition
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 07:03 AM IST

દ્વારકા: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરવા માટે તંત્ર દ્વારા આજથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ઓખા નજીક આવેલા આરંભડા વિસ્તારમાં વહેલી સવારથી જ તંત્રના બુલડોઝરો ગુંજતા થયા છે અને મસમોટા દબાણો દૂર કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા-ઓખા હાઈવે પર વર્ષોથી જામી પડેલા દબાણોને હટાવવા માટે તંત્રએ કમર કસી છે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વિસ્તારોમાં ફેલાય તેવી શક્યતા છે.

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

દબાણ હટાવવાની આ સમગ્ર કામગીરી પ્રાંત અધિકારી અમોલ આવતેની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ઓખા-દ્વારકા હાઇવે પર આવેલા અનેક ધાર્મિક દબાણો તેમજ સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે તંત્ર એલર્ટ બન્યું છે. સંવેદનશીલ વિસ્તારો હોવાને કારણે કોઈપણ પ્રકારના વિરોધ કે ઘર્ષણને ટાળવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વેટ સંગમ 2026 : અમદાવાદમાં યોજાયો વેટરનરી ડોક્ટરોનો ‘મહાકુંભ’, 16 વરિષ્ઠ અધિકારીઓનું કરાયું ગૌરવપૂર્ણ સન્માન

ત્રણ દિવસ સુધી ચાલશે ડિમોલિશનની કામગીરી

તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, આ દબાણ હટાવો ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી. દ્વારકાના રૂપાળબંદર અને આરંભડા સહિતના બે મુખ્ય સ્થળોએ આ કામગીરી અંદાજે ત્રણ દિવસ સુધી સતત ચાલવાની છે. હાઈવેની આસપાસના અને સરકારી માલિકીની જમીન પર થયેલા તમામ કાચા-પાકા દબાણોને દૂર કરી જમીન ખુલ્લી કરાવવાનો તંત્રનો નિર્ધાર છે. ચૂંટણી બાદ તંત્રની આ આક્રમક કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now