Home National Mathura Boat Accident Kesi Ghat Yamuna Deaths Cause

મથુરા બોટ અકસ્માતનું કારણ આવ્યું સામે : જાણો કેવી રીતે બની હતી ભયાનક ઘટના

Mathura Yamuna Boat Accident
Published by: Suman Dabhi
Last Updated: Apr 11, 2026, 11:22 AM IST

Mathura Yamuna Boat Accident: વૃંદાવનના પ્રસિદ્ધ કેસી ઘાટ પર યમુના નદીમાં શુક્રવારે બપોરે એક હૃદયવિદારક અકસ્માત બન્યો. પંજાબના લુધિયાણા, મોગા અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા લગભગ 30-37 શ્રદ્ધાળુઓને લઈને જતી મોટરબોટ પોન્ટૂન પુલના તરતા ભાગ સાથે અથડાઈને પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા અને કેટલાક હજુ ગુમ છે.

આંખના પલકારામાં બધું સમાપ્ત થઈ ગયું

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ: “બધા ખુશ હતા, કીર્તન ગાતા હતા. હોડી પુલ તરફ આગળ વધવા લાગી. અમે બોટમેનને ચાર વાર રોકવા કહ્યું, પણ તેણે સાંભળ્યું નહીં. આંખના પલકારામાં બધું સમાપ્ત થઈ ગયું.” શરૂઆતમાં વાતાવરણ ભક્તિ અને આનંદથી ભરેલું હતું. ભારે પવન અને ઓવરલોડને કારણે હોડી અસ્થિર બની રહી હતી. કેટલાક યાત્રાળુઓએ બોટમેનને ધીમી કરવા અને રોકવા વિનંતી કરી હતી. બે વાર તો ટક્કરથી બચી ગઈ, પણ ત્રીજી વખતની અથડામણ એટલી ગંભીર હતી કે હોડી પલટી ગઈ અને લોકો પાણીમાં પડી ગયા.

ઘટનાના ભયાનક વિડિયો

સલામતી વ્યવસ્થા કે ચેતવણી ન હતી

અન્ય સાક્ષીએ કહ્યું કે યમુના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ પોન્ટૂન પુલ દૂર કરવાનું કામ ચાલી રહ્યું હતું. પાણીના સ્તર વધવાથી તેના ભાગો નદીમાં તરતા હતા. JCB મશીનોથી પુલના ભાગો દૂર કરાતા હતા, પરંતુ કોઈ સલામતી વ્યવસ્થા કે ચેતવણી ન હતી. અકસ્માત પછીનું દ્રશ્ય વધુ ભયાનક હતું. લોકો મદદ માટે બૂમો પાડતા હતા, પણ બોટમેને કૂદકો માર્યો નહીં કે કોઈને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. બચાવકાર્ય મોડેથી શરૂ થયું.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોટી હોનારત ટળી! : હેલિપેડને બદલે પાર્કિંગમાં થયું હેલિકોપ્ટરનું જોખમી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા આ મંત્રી

સલામતીની અવગણનાના ઘણા પ્રશ્નો ઊભા કર્યા

ડાઇવર્સ અને NDRFની ટીમોએ ઘણા લોકોને બચાવ્યા, પણ 10ના જીવ બચાવી શકાયા નહીં. આ અકસ્માતે વહીવટી બેદરકારી અને સલામતીની અવગણનાના ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. ચાર દિવસની ધાર્મિક યાત્રા માટે પ્રતિ વ્યક્તિ ₹4,500 વસૂલવામાં આવ્યા હતા. મૃતકો બીજા દિવસે નંદગાંવમાં ફૂલ બંગલો સજાવીને ભજન-કીર્તન કરવાના હતા, પરંતુ એક નાની ભૂલે બધું બરબાદ કરી દીધું.

દુર્ઘટના માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી થશે?

પીડિત પરિવારો અત્યારે અવ્યવસ્થિત છે અને મથુરા પહોંચી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી થશે? અને ભવિષ્યમાં આવી બેદરકારી અટકાવવા માટે કઈ પગલાં લેવામાં આવશે? આ ઘટનાએ માત્ર 10 જીવ નથી લીધા, પરંતુ અનેક પરિવારોની દુનિયા હંમેશ માટે ઉજાડી નાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now