Pune Helicopter Landing News: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના હેલિકોપ્ટરનું શનિવારે પુણેના પુરંદર તાલુકાના ખાનવાડી ગામમાં જોખમી લેન્ડિંગ થયું હતું. હેલિકોપ્ટરના પાયલોટે ભૂલથી હેલિપેડને બદલે વાહનોના પાર્કિંગ લોટમાં ઉતરાણ કર્યું હતું. સદનસીબે, આ ઘટનામાં મંત્રી છગન ભુજબલ અને પાયલોટ બંને સુરક્ષિત છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાવી દીધો છે, કારણ કે જાન્યુઆરી મહિનામાં જ NCP નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતું. તે કાળી યાદો હજુ તાજી છે ત્યારે વધુ એક VVIP મુસાફરીમાં સર્જાયેલી આ ગંભીર ભૂલે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પાયલોટની બેદરકારીને ગંભીર ગણાવી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
ધૂળની ડમરીઓને કારણે પાયલોટ થાપ ખાઈ ગયો
મળતી માહિતી મુજબ, છગન ભુજબલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખાનવાડી પહોંચ્યા હતા. જ્યારે હેલિકોપ્ટર લેન્ડિંગની તૈયારીમાં હતું, ત્યારે જમીન પરથી ઉડેલી ભારે ધૂળને કારણે પાયલોટને હેલિપેડ દેખાવાનું બંધ થઈ ગયું હતું. આ 'બ્રાઉનઆઉટ' (Brownout) અસરને કારણે પાયલોટે હેલિપેડની બાજુમાં આવેલા ખાલી પાર્કિંગ એરિયામાં હેલિકોપ્ટર ઉતારી દીધું હતું. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેલિકોપ્ટર નિર્ધારિત જગ્યાથી અલગ સ્પોટ પર ઉતર્યું હતું.
પોલીસે દખલ કરી અને હેલિકોપ્ટર ખસેડાયું
ભૂલથી પાર્કિંગમાં લેન્ડિંગ થયા બાદ ત્યાં હાજર સ્થાનિક પોલીસ તરત જ દોડી ગઈ હતી. પોલીસે પાયલોટને આ ગંભીર ભૂલ અંગે જાણ કરી હતી. મંત્રી ભુજબલ નીચે ઉતર્યા બાદ, હેલિકોપ્ટરને ફરીથી ઉડાડીને નિર્ધારિત હેલિપેડ પર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યું હતું. ભલે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ પાયલોટની આટલી મોટી ભૂલને કારણે મંત્રીનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત.
અજિત પવાર દુર્ઘટનાની યાદ તાજી થઈ
આ અકસ્માતે 28 જાન્યુઆરીના તે કાળા દિવસની યાદ અપાવી દીધી છે, જ્યારે બારામતીમાં વિમાન લેન્ડિંગ સમયે અજિત પવાર અને અન્ય ચાર લોકોના કરુણ મોત થયા હતા. તે ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે VVIP ટ્રાવેલ માટે કડક પ્રોટોકોલ બનાવવાની વાત કરી હતી, છતાં છગન ભુજબલના કિસ્સામાં સર્જાયેલી આ ભૂલ સૂચવે છે કે હજુ પણ સુરક્ષામાં ક્યાંક ખામી છે.





