Home Gujarat Mansukh Vasava Ticket Controversy Bjp Gujarat

ભાજપમાં વ્યક્તિ નહીં, પક્ષ સર્વોપરી : નારાજ કાર્યકરોને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો પોતાની દીકરીનો દાખલો

mansukh vasava ticket controversy
Published by: Viral Patel
Last Updated: Apr 20, 2026, 01:43 PM IST

Narnada News: ગુજરાતના રાજકારણમાં હંમેશા પોતાના નિખાલસ નિવેદનો માટે જાણીતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પક્ષ પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરી છે. ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડીયાપાડામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે ટિકિટ ન મળવાને કારણે નારાજ થયેલા કાર્યકરોને મન મનાવી પક્ષના હિતમાં કામ કરવા અપીલ કરી હતી.

'મારી દીકરી સક્ષમ હોવા છતાં ટિકિટ ન મળી'

સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધતા પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, તેમની દીકરી પ્રીતિ વસાવા વડિયા તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હતી અને તેણે ટિકિટની માંગણી પણ કરી હતી. જોકે, ભારતીય જનતા પાર્ટીની 'હોદ્દેદારોના પરિવારજનોને ટિકિટ ન આપવી' એવી સ્પષ્ટ પોલિસીને કારણે તેને ટિકિટ મળી શકી નથી. તેમણે ઉમેર્યું હતું કે મારી દીકરીને ટિકિટ ન મળી હોવા છતાં, તે આજે ભાજપના અધિકૃત ઉમેદવાર માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. જ્યારે અમારો પરિવાર પક્ષના શિસ્તને વળગી રહેતો હોય, તો કાર્યકરોએ પણ વ્યક્તિગત હિત છોડીને પક્ષને જીતાડવા માટે મેદાનમાં ઉતરવું જોઈએ."

આ પણ વાંચો: લૂથી બચવાના સરળ ઉપાયો : ગરમીના વધતા પ્રકોપ અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અપાઈ ગંભીર ચેતવણી

નારાજગીની અફવાઓનું કર્યું ખંડન

છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે દીકરીને ટિકિટ ન મળવાને કારણે મનસુખ વસાવા નારાજ છે અને તેથી જ તેઓ પ્રચાર પ્રસારમાં દેખાઈ રહ્યા નથી. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા સાંસદે સ્પષ્ટતા કરી હતી કે તેઓ નારાજ હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે. પાર્લામેન્ટ સત્ર ચાલતું હોવાથી તેઓ દિલ્હીમાં વ્યસ્ત હતા. ગઈકાલ સવારે પરત આવ્યા બાદ તેઓ સતત નેત્રંગ અને વાલીયા વિસ્તારમાં પ્રચાર કાર્યમાં જોડાયેલા છે.

વ્યક્તિ નહીં, વિચારધારાને મહત્વ આપો

ડેડીયાપાડા જેવા પડકારજનક વિસ્તારમાં કાર્યકરોમાં જોશ પૂરતા મનસુખ વસાવાએ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીમાં કોઈ વ્યક્તિ વિશેષને નહીં, પરંતુ ભાજપની વિચારધારા અને સંગઠનને ઓળખીને કામ કરવું જરૂરી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભાજપમાં શિસ્ત અને નિયમો દરેક માટે સમાન છે.

આ પણ વાંચો: કોંગ્રેસના જ કાર્યકરોએ પાડ્યો Jignesh Mevani નો વારો! : વિરોધ અને કાળા વાવટાના લીધે અધવચ્ચે જ પ્રચાર છોડી ભાગવું પડ્યું

સાંસદ મનસુખ વસાવાના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોતાની દીકરીનો દાખલો આપીને તેમણે નારાજ કાર્યકરોને એક મોટો સંદેશ આપ્યો છે કે પક્ષની પોલિસી અને શિસ્ત સર્વોપરી છે. હવે જોવાનું એ રહેશે કે સાંસદની આ અપીલ ડેડીયાપાડા અને આસપાસના વિસ્તારોમાં ભાજપને કેટલી મજબૂતી અપાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now