Surat News: સુરત શહેર પોલીસની SOG ને એક મોટી સફળતા મળી છે. શહેરમાં પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાતી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી (Ambergris)ની તસ્કરી કરતા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો વ્હેલ માછલીની ઉલટી, જેને 'ફ્લોટિંગ ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવે છે, તેના વેચાણ અર્થે સુરત આવ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમબ્રીશ મિશ્રા, સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹1.7 કરોડ જેટલી થવા જાય છે.
આ પણ વાંચો: જાણો શું છે કાજલ મહેરિયા વિવાદ? : "મારી દીકરી આવા છોકરા સાથે લગ્ન ન કરે", માતા શારદાબેનના ગંભીર આક્ષેપો
ક્યાંથી આવ્યું આ 'ફ્લોટિંગ ગોલ્ડ'?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેણે આ ત્રણેયને વેચાણ માટે માલ આપ્યો હતો. ફરાર આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા જતો હતો, જ્યાં તેને દરિયામાં તરતું આ 'ફ્લોટિંગ ગોલ્ડ' મળી આવ્યું હતું. વધુ પૈસા કમાવવાની લાલચે આ કિંમતી પદાર્થ સુરતમાં વેચવા માટે લાવવામાં આવ્યો હતો.
શા માટે આટલું મોંઘું છે એમ્બરગ્રીસ?
વ્હેલ માછલીની ઉલટીને 'તરતું સોનું' કહેવામાં આવે છે કારણ કે તેનો મુખ્ય ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવામાં થાય છે. તે પરફ્યુમની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે 'ફ્લેક્સ્ટિવ' તરીકે કામ કરે છે. શરૂઆતમાં તે અત્યંત દુર્ગંધ મારે છે, પરંતુ સમય જતાં તે અદભૂત મીઠી સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે. વ્હેલ માછલી એક સંરક્ષિત જીવ હોવાથી ભારતમાં તેના કોઈ પણ અવશેષ કે ઉલટીના વેચાણ અને રાખવા પર કડક પ્રતિબંધ છે.
હાલમાં સુરત SOG પોલીસે વન વિભાગને સાથે રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ધંધુકાના યુવકને રહેંસી નાખનારની ટાંટિયાતોડ સર્વિસ! : કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર





