Mumbai Indians IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સના મોટાભાગના ખેલાડીઓ હાલ આઉટ ઓફ ફોર્મ જોવા મળી રહ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ખાસ કમાલ કરી શક્યા નથી. આ પરિસ્થિતિને જોતા હવે મુંબઈની સફર પ્લેઓફની રેસમાંથી બહાર થતી હોય તેવું જણાઈ રહ્યું છે.
IPL 2026માં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ ટીમે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાંથી માત્ર 1માં જ જીત મેળવી છે. જોકે, હજુ પણ અમુક ગણિત અને સમીકરણો એવા છે જે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: આગામી 72 કલાક સાવધાન! : ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; જાણો તમારા શહેરનું હવામાન
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે
હાલમાં પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પાસે માત્ર 2 પોઈન્ટ છે. ટીમે તેની પહેલી મેચ KKR સામે રમી હતી અને તેમાં જીત મેળવી હતી, પરંતુ ત્યારબાદ રમાયેલી છેલ્લી ચારેય મેચોમાં ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે.
પ્લેઓફ માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટ જરૂરી
IPLના ઇતિહાસ પર નજર કરીએ તો, પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટ જરૂરી હોય છે. જોકે, 16 પોઈન્ટ પણ પ્લેઓફની ગેરંટી આપતા નથી, પરંતુ આટલા પોઈન્ટ્સ પછી ટીમનું સ્થાન લગભગ પાકું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ભાજપમાં વ્યક્તિ નહીં, પક્ષ સર્વોપરી : નારાજ કાર્યકરોને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો પોતાની દીકરીનો દાખલો
હવે 7 મેચ જીતવી અનિવાર્ય
મુંબઈ ઈન્ડિયન્સની હજુ 9 મેચો બાકી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈને આ 9 મેચોમાંથી ઓછામાં ઓછી 7 મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ટીમ બાકી રહેલી મેચોમાંથી 8 મેચ જીતી જાય, તો તેમને પ્લેઓફની ટિકિટ સીધી મળી જશે. આવી સ્થિતિમાં હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે આગામી દરેક મેચ 'કરો અથવા મરો' જેવી સાબિત થશે.
ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર
20 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની છઠ્ઠી મેચ રમવા મેદાનમાં ઉતરશે, જ્યાં તેમનો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો: લૂથી બચવાના સરળ ઉપાયો : ગરમીના વધતા પ્રકોપ અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અપાઈ ગંભીર ચેતવણી
પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ મોખરે
હાલમાં IPL 2026ના પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ 11 પોઈન્ટ સાથે ટોચ પર છે. પંજાબે અત્યાર સુધી એક પણ મેચ ગુમાવી નથી, જ્યારે બીજા ક્રમે RCB 8 પોઈન્ટ સાથે યથાવત છે.





