Vadodara News: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર અભિયાનને સત્તાવાર રીતે વેગ આપ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વડોદરામાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માંજલપુરમાં વિશાળ જાહેરસભા યોજાઈ હતી અને 'વિજય વિશ્વાસ બાઈક રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર સતીષ પટેલે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. જાહેરસભાની શરૂઆત સ્વર્ગસ્થ યોગેશ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ભાજપના પ્રદેશ અને સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા.
જાહેરસભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલનો જંગી બહુમતીથી વિજય સ્વર્ગસ્થ યોગેશ પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન બનશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ચાલી રહેલા વિકાસકાર્યોને આ વિજય વધુ મજબૂતી આપશે.
તેમણે સ્વર્ગસ્થ યોગેશ પટેલના જાહેર જીવનને યાદ કરતાં જણાવ્યું કે નવનિર્માણ આંદોલનથી શરૂ થયેલી તેમની રાજકીય સફર લોકસેવા, વિકાસ અને જનવિશ્વાસનું પ્રતિક બની હતી. સામાન્ય કાર્યકર તરીકે શરૂઆત કરીને સતત આઠ વખત લોકોનો વિશ્વાસ જીતવો અને અંતિમ સમય સુધી પ્રજા વચ્ચે રહી સેવા આપવી એ તેમના જીવનની સૌથી મોટી ઓળખ રહી છે.
ભાજપ સામાન્ય કાર્યકરોને તક આપતો પક્ષ: વિશ્વકર્મા

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એવી રાજકીય પાર્ટી છે જ્યાં સામાન્ય કાર્યકર્તા પણ પોતાના પરિશ્રમ, સેવા, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના આધારે ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે સતીષ પટેલ તેનું જીવંત ઉદાહરણ છે, જેમણે વર્ષો સુધી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
તેમણે કહ્યું કે સતીષ પટેલે ક્યારેય કોઈ હોદ્દા કે પદની અપેક્ષા રાખ્યા વગર પક્ષ માટે સતત કાર્ય કર્યું છે. સંગઠન અને વહીવટી કામગીરીનો તેમનો અનુભવ માંજલપુરના વિકાસમાં ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

કાર્યકરોને ઘર-ઘર સુધી પહોંચવાનો સંદેશ
જગદીશ વિશ્વકર્માએ ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે દિવસ-રાત અને તડકો-છાંયડો જોયા વગર કાર્ય કરતા કાર્યકરો જ પક્ષની સૌથી મોટી તાકાત છે. તેમણે દરેક કાર્યકરને ઘર-ઘર સુધી પહોંચીને મતદારોનો સંપર્ક કરવા, વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા અને કમળના નિશાનના વિજય માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.
તેમણે દાવો કર્યો કે માંજલપુરની જનતાએ વર્ષોથી ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અગાઉની ચૂંટણીઓમાં પણ પક્ષને સતત સમર્થન મળ્યું છે. આ વખતે પણ મતદારો ભાજપના ઉમેદવારને વિજયી બનાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: અંબાલાલ પટેલ હવે નહીં કરે હવામાન અંગેની આગાહી : જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે કર્યો નિર્ણય
કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યોનો ઉલ્લેખ
જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશને વૈશ્વિક સ્તરે મળેલી પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક દેશોએ પ્રધાનમંત્રીને સર્વોચ્ચ સન્માન આપ્યા છે અને વિવિધ દેશોની સંસદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશની પ્રતિષ્ઠા વધારી છે.
સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ છેલ્લા ત્રણ દાયકાથી કમળના નિશાન પર સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજ્યમાં વિકાસલક્ષી રાજકારણને સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યોને પણ તેમણે લોકોનો વ્યાપક સહકાર મળતો હોવાનું જણાવ્યું.

સતીષ પટેલે વિકાસના સંકલ્પો પૂર્ણ કરવાની ખાતરી આપી
કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર સતીષ પટેલે પણ કાર્યકરો અને નાગરિકોને સંબોધ્યા હતા. તેમણે માંજલપુરના મતદારોને ભાજપાને વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પક્ષના કાર્યકર તરીકે સ્વર્ગસ્થ યોગેશ પટેલના અધૂરા વિકાસકાર્યોને આગળ વધારવા અને માંજલપુરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરશે.
કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી રમણ સોલંકી, મનીષા વકીલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. હેમાંગ જોષી, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર ગીતા મકવાણા, ધારાસભ્યો, સ્વર્ગસ્થ યોગેશ પટેલના પુત્ર રાકેશ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાનને વેગ આપ્યો છે. આગામી દિવસોમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે. મતદાન પહેલાં મતદારો સુધી પહોંચવા માટે ભાજપે સંગઠનશક્તિ અને કાર્યકરોના વ્યાપક સંપર્ક અભિયાન પર ભાર મૂક્યો છે.





