Desar Bridge Collapsed: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સરકારી બાંધકામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ડેસર તાલુકાના શિહોરા ગામ નજીક મૈસરી નદી પર કરોડોના ખર્ચે તાજેતરમાં નિર્માણ પામેલા નવા પુલનો એક બાજુનો ભાગ માત્ર 20 દિવસમાં જ ધસી પડ્યો છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પુલની વિંગ વોલ (સાઇડ પ્રોટેક્શન વોલ) ધરાશાયી થતાં સમગ્ર બાંધકામની ગુણવત્તા અને કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
માત્ર 20 દિવસમાં જ ખુલી ગઈ બાંધકામની પોલ
મળતી માહિતી અનુસાર, મૈસરી નદી પર નિર્માણ પામેલા આ નવા પુલને થોડા દિવસ પહેલાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હજુ પુલ શરૂ થયાને અંદાજે 20 દિવસ જેટલો જ સમય થયો છે. પરંતુ ચોમાસાના સામાન્ય વરસાદમાં જ પુલની એક બાજુ આવેલી રક્ષણાત્મક દીવાલ તૂટી પડતાં તેની બાજુમાં મોટો અને જોખમી ખાડો પડી ગયો છે. આ ઘટનાએ પુલની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે તો ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિમાં પુલની સલામતી અંગે ચિંતા થવી સ્વાભાવિક છે.
ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ જ આપી હતી ચેતવણી
આ સમગ્ર ઘટનાનો સૌથી મહત્વનો પાસો એ છે કે સાવલી-ડેસર વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે પુલના બાંધકામ દરમિયાન જ તેની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કામની ગુણવત્તાની તપાસ કરવાની અને જો કોઈ ગેરરીતિ હોય તો તેને તાત્કાલિક સુધારવાની માંગ કરી હતી. ધારાસભ્યે આગોતરી ચેતવણી આપી હોવા છતાં સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નહોતી. હવે પુલનો ભાગ ધસી પડતાં તેમના આક્ષેપોને વધુ બળ મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ
પુલનો ભાગ ધસી પડ્યા બાદ શિહોરા તેમજ આસપાસના ગામોના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. રોજિંદા અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર આ ખામી દૂર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે પુલ પર વધુ જોખમ ઊભું થઈ શકે છે.
ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
આ ઘટનાને પગલે ગ્રામજનોએ સમગ્ર બાંધકામની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે જો ખરેખર નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોય અથવા બાંધકામમાં ગેરરીતિ થઈ હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ પુલનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને તેને ફરીથી સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય.
ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી ચર્ચામાં
આ ઘટના બાદ સરકારી વિકાસ કાર્યોમાં ગુણવત્તા નિયંત્રણ અને પારદર્શિતાના મુદ્દા ફરી ચર્ચામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતા જાહેર બાંધકામો જો થોડા જ દિવસોમાં ક્ષતિગ્રસ્ત થવા લાગે તો સરકારી નાણાંના ઉપયોગ અને કામગીરીની દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. હવે સૌની નજર સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા લેવામાં આવનારા પગલાં પર છે. તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. સ્થાનિકોની માંગ છે કે માત્ર સમારકામ પૂરતું નહીં, પરંતુ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.





