Manjalpur Bypoll: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે. લાંબા સમય સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે આગામી 30 જુલાઈએ મતદાન યોજાવાનું છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેતા હવે ચૂંટણીનો જંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. એક તરફ ભાજપે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીષ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના અનુભવી નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર બનાવી ચૂંટણીમાં મજબૂત પડકાર ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. માંજલપુર બેઠક પર ભાજપનો લાંબા સમયથી મજબૂત પ્રભાવ રહ્યો છે. જોકે કોંગ્રેસે આ વખતે અનુભવી અને સંગઠન તેમજ સામાજિક ક્ષેત્રે લાંબો અનુભવ ધરાવતા ભીખાભાઈ રબારીને મેદાને ઉતારી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે. બંને પક્ષો હવે પ્રચાર અભિયાનને વેગ આપવા સાથે મતદારો સુધી પહોંચવાના પ્રયાસોમાં લાગી ગયા છે. આજે આ પ્રતિષ્ઠિત બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ ઉમેદવારો પોતાના સમર્થકો અને મોવડીમંડળની હાજરીમાં વિધિવત રીતે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. આ સાથે જ માંજલપુરનો રાજકીય જંગ હવે સત્તાવાર રીતે ખરાખરીના તબક્કામાં પ્રવેશશે.
અનુભવી ભીખાભાઈ રબારી પર કોંગ્રેસનો દાવ
કોંગ્રેસે આ ચૂંટણીમાં અનુભવને પ્રાધાન્ય આપતાં પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કર્યા છે. વડોદરાના રાજકારણમાં તેઓ લાંબા સમયથી સક્રિય રહ્યા છે અને શહેરના વરિષ્ઠ કોંગ્રેસી નેતા તરીકે તેમની અલગ ઓળખ છે. તેઓ વર્ષ 1975, 1980 અને 1985માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. ઉપરાંત અમરસિંહ ચૌધરીના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ તેમણે મહત્વની જવાબદારી સંભાળી હતી. રાજકીય કારકિર્દી ઉપરાંત ભીખાભાઈ રબારીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે, વડોદરા ડેરીના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પણ કામગીરી કરી છે. સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી અને સામાન્ય નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે. ખાસ કરીને માલધારી સમાજ તેમજ પછાત વર્ગોમાં તેમની સારી પકડ હોવાનું પક્ષ માને છે. ઉમેદવારી જાહેર થયા બાદ ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે તેઓ હકારાત્મક રાજનીતિમાં વિશ્વાસ રાખે છે અને માંજલપુરની જનતાને મજબૂત વિપક્ષી અવાજ આપવા માટે આ ચૂંટણીને મહત્વપૂર્ણ તક ગણાવે છે. તેમણે મતદારોને વિકાસ અને લોકહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
સતીષ પટેલ પર ભાજપનો વિશ્વાસ
બીજી તરફ ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સતીષ પટેલને મેદાને ઉતાર્યા છે. તેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે શહેરના વિકાસકાર્યોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ છાણી ધર્માદા ટ્રસ્ટના સંચાલક તરીકે પણ સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે. ઉમેદવારી જાહેર થયા બાદ સતીષ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશ પટેલે માંજલપુરના વિકાસ માટે જે કામગીરી શરૂ કરી હતી તેને આગળ વધારવાનું પોતાનું પ્રથમ લક્ષ્ય રહેશે. તેમણે મતદારોનો વિશ્વાસ જાળવી રાખવાની સાથે વિકાસ અને જનસેવાને પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આવતીકાલે કોંગ્રેસની 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા'
કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારને સત્તાવાર રીતે વેગ આપવા માટે સોમવાર, 13 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે વડોદરાના દાંડિયાબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે 'વિજય વિશ્વાસ સંકલ્પ સભા'નું આયોજન કરી રહી છે. આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. સંકલ્પ સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસે આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોને હાજર રહી પક્ષની શક્તિનું પ્રદર્શન કરવા આહવાન કર્યું છે.
આ પણ વાંચો: વડોદરાના પાદરામાં કેનાલમાંથી મહિલાનો મળ્યો હતો મૃતદેહ : SSG હોસ્પિટલનાં સિક્યુરિટી ગાર્ડની કરાઈ ધરપકડ
30 જુલાઈએ મતદાન, હવે પ્રચારનો ઘમાસાણ
માંજલપુર પેટાચૂંટણી માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને આગામી દિવસોમાં બંને પક્ષો પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવશે. ભાજપ વિકાસના મુદ્દા અને યોગેશ પટેલના કાર્યને આગળ વધારવાના એજન્ડા સાથે મતદારો સુધી પહોંચશે, જ્યારે કોંગ્રેસ મોંઘવારી, સ્થાનિક પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. અનુભવી ઉમેદવાર સામે નવા ચહેરાની ટક્કર અને બંને પક્ષોની સક્રિય રાજકીય તૈયારીઓને કારણે માંજલપુરની આ પેટાચૂંટણી માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ વિશેષ ધ્યાનનું કેન્દ્ર બની છે.





