Home Gujarat Vadodara Padra Canal Case Ssg Hospital Woman Employee Security Guard Arrested

વડોદરાના પાદરામાં કેનાલમાંથી મહિલાનો મળ્યો હતો મૃતદેહ : SSG હોસ્પિટલનાં સિક્યુરિટી ગાર્ડની કરાઈ ધરપકડ

કેનાલની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 13, 2026, 03:48 AM IST

Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક કેનાલમાંથી સયાજી હોસ્પિટલ (SSG Hospital)માં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો મૃતદેહ મળી આવ્યાની ચકચારી ઘટનામાં પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેતા સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા કર્મચારીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ સયાજી હોસ્પિટલમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મહેશ ચૌહાણ નામનો વ્યક્તિએ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક મહિલાની ઓળખ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર તરીકે થઈ છે. તેઓ મૂળ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી હતા અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમના અચાનક ગુમ થવા બાદ પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પાદરા નજીકની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.

સિક્યુરિટી ગાર્ડ જ નીકળ્યો મુખ્ય આરોપી

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મહેશ ચૌહાણ પણ સયાજી હોસ્પિટલમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તે મૂળ પાદરા તાલુકાના સાંગમા ગામનો રહેવાસી છે. નોંધનીય બાબત એ છે કે જે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, તેની નજીક જ આરોપીનું ખેતર અને રહેણાંક મકાન આવેલું હોવાનું પણ સામે આવ્યું છે.

તપાસ દરમિયાન પોલીસને મળેલા ટેકનિકલ પુરાવા, સ્થાનિક માહિતી અને અન્ય મહત્વના સંકેતોના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પર શંકા વધુ મજબૂત બનતા પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ પ્રાથમિક પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર : વધુ એક માસૂમનું શંકાસ્પદ મોત, જિલ્લામાં આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર

તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધી લાશ

પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાઉપરી ઘા ઝીંકીને તેમની હત્યા કરી હતી. હત્યા બાદ ગુનાના પુરાવા નાશ કરવા માટે મૃતદેહને પાદરા નજીકની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો જેથી ઘટનાને અકસ્માત અથવા અન્ય રીતે રજૂ કરી શકાય. જોકે પોલીસની સઘન તપાસ અને ઝડપી કામગીરીના કારણે સમગ્ર ઘટનાક્રમ ટૂંકા સમયમાં જ ખુલ્લો પડી ગયો.

હત્યા માટે કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે હથિયાર પોલીસને મળ્યું છે કે નહીં, તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.

હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી

હાલ સમગ્ર કેસમાં સૌથી મોટો સવાલ હત્યા પાછળના કારણને લઈને છે. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ હત્યા અંગત અદાવતના કારણે થઈ છે, કોઈ પ્રેમસંબંધને લઈને વિવાદ થયો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ ટીમ આરોપી અને મૃતક વચ્ચેના સંબંધો, બંને વચ્ચે થયેલા સંપર્ક, મોબાઇલ ફોનની વિગતો તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. ઉપરાંત આરોપીએ ગુનો એકલાએ કર્યો હતો કે તેમાં અન્ય કોઈ વ્યક્તિની પણ સંડોવણી છે, તે મુદ્દે પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: 20 દિવસમાં જ ધસી પડ્યો કરોડોના ખર્ચે બનેલો મૈસરી નદીનો નવો નકોર પુલ! : ધારાસભ્યની ચેતવણી છતાં ન જાગ્યું તંત્ર, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અનેક સવાલોના જવાબ મળશે

મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે અને જરૂરી ફોરેન્સિક તપાસ માટે વિસેરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા પહેલા તેમની સાથે કોઈ પ્રકારની શારીરિક હિંસા, દુષ્કર્મ અથવા અન્ય અઘટિત ઘટના બની હતી કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ શકશે. હાલ આ મુદ્દે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ માહિતી જાહેર કરવામાં આવશે.

અધિકારીઓનું મૌન

આ ચકચારી કેસમાં હાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસને ધ્યાનમાં રાખીને મૌન સેવ્યું છે. આરોપીની સત્તાવાર ઓળખ પરેડ સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાથી પોલીસે હજુ સુધી વધુ વિગતો જાહેર કરી નથી. મીડિયા સમક્ષ પણ અધિકારીઓએ તપાસના હિતમાં મર્યાદિત માહિતી જ આપી છે.

પોલીસ આગામી દિવસોમાં સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં હત્યા પાછળનો ચોક્કસ હેતુ, આરોપી સામે મળેલા પુરાવા, ઘટનાક્રમ કેવી રીતે બન્યો, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારની વિગતો તેમજ જો અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી હશે તો તેની માહિતી જાહેર કરવામાં આવી શકે છે.

આ સમગ્ર ઘટનાએ સયાજી હોસ્પિટલના કર્મચારીઓ તેમજ વડોદરા જિલ્લામાં ભારે ચિંતા ફેલાવી છે. મહિલાની હત્યાના કેસનો ઝડપથી ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હોવા છતાં હત્યા પાછળનું વાસ્તવિક કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગેની સંપૂર્ણ હકીકત હવે સત્તાવાર તપાસ અને પોલીસના અંતિમ ખુલાસા બાદ જ સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now