Home Gujarat Management Committee Will Be Reconstituted Before The Next School Entrance Festival

ગુજરાતના શિક્ષણમંત્રીના છૂટ્યા આદેશ : આગામી શાળા પ્રવેશોત્સવ પહેલા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના થશે!

ગુજરાતના શિક્ષણમંત્રીના છૂટ્યા આદેશ
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 02:16 PM IST

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં RTE એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ની રચના કરવામાં આવે છે. જેની દર બે વર્ષે પુનઃરચના કરવાની હોય છે. ચાલુ વર્ષ ૨૦૨૫નો શાળા પ્રવેશોત્સવ શરૂ તે પહેલા SMCની રચના કરવા શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ સમિતિમાં સક્રિય અને રસ ધરાવતા જ સભ્યોનો સમાવેશ થાય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષણ ક્ષેત્રે સ્થાનિક સમુદાયની સક્રીયતા અને સહભાગિતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે ગત ૨૮ એપ્રિલે મુખ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં મળેલા અભિપ્રાયોને ધ્યાને લેતાં આગામી સત્રમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુન:રચના બાબતે શિક્ષણ મંત્રીએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, BRC, CRC અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.

રાજ્યની તમામ શાળાઓમાં SMCની પુન:રચના સમયે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્વના મુદ્દાઓ સૂચવતાં કહ્યું હતું કે, શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરતા પહેલાં ગામના નાગરિકોને જાણ કરીને ફરજીયાત વાલી સભાઓ યોજવી જોઈએ. વાલી સભામાં શાળામાં ભણતા બાળકોના વાલીઓ ખાસ હાજર રહે તેની તકેદારી રાખવી, શાળા વ્યવસ્થાપન સમિતિનું મહત્વ, તેના કાર્યો અને ફરજો જેવી બાબતની સમજણ આપવા જેવી બાબતોનું સૂચન કર્યું હતું.

શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની પસંદગી વાલીઓની સર્વ સંમતિથી કરવી જોઈએ. સમિતિમાં શિક્ષણવિદ તરીકે વયનિવૃત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા ગ્રામજનો લેવામાં આવે તે ખાસ ધ્યાન રાખવું. તમામ CRC, BRC, DEO, DPEO, વર્ગ-૨ના અધિકારીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિની પુન: રચના માટે યોજાતી વાલી સભાઓમાં સહભાગી થાય તેની પણ તકેદારી રાખવા મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા રાજ્યની શાળાઓમાં પુરતી શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે નહીં તેની પણ ખાતરી કરવી જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. આ ઉપરાંત બાળકોને શિક્ષણની સાથે યોગ્ય પોષણયુક્ત આહાર મળે તે અંગે પણ સૂચન કર્યું હતું.

આ સંવાદમાં સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેકટ ડાયેરેકટર રણજીતકુમાર, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઇ. જોષી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, BRC અને CRCના સભ્યો જોડાયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now