મહુવા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપમાં આંતરિક જૂથબંધી ખુલ્લેઆમ સામે આવી છે. પ્રમુખની વરણી બાદ ભાજપના જ કાઉન્સિલરો અને શહેર ભાજપના બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ અને મારામારી સર્જાતા રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ મહુવાના વાસી તળાવ વિસ્તારમાં હોદ્દેદારોની વરણી બાદ સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમિયાન કોઈ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
રસ્તા પર જ લાકડીઓ અને પાઇપ સાથે મારામારી
સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં બંને જૂથના લોકો સામસામે આવી જતા લાકડીઓ, ધોકા અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા. ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર જ ધક્કામુક્કી અને મારામારી શરૂ થતાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વાસી તળાવ વિસ્તારનો મુખ્ય માર્ગ કેટલાક સમય માટે અવરોધિત બન્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં કોંગ્રેસના બે ફાડિયા! : ભાજપ સામે લડવાને બદલે નેતાઓ અંદરોઅંદર જ બાખડ્યા, એક જ દિવસે બે સમાંતર બેઠકો યોજાઈ
પોલીસ ચોકી નજીક જ સર્જાઈ હિંસક ઘટના
ચોંકાવનારી બાબત એ રહી કે જ્યાં આ અથડામણ થઈ તે વિસ્તારમાં જ પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં જાહેરમાં આ પ્રકારની મારામારી સર્જાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને જૂથોને અલગ પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ ઘટનાના વીડિયો અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચા
મહુવા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી બાદ જ આ પ્રકારની અથડામણ સામે આવતા સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે હોદ્દાની પસંદગી અને આંતરિક ગોઠવણને લઈને કેટલાક કાર્યકરો અને કાઉન્સિલરોમાં અસંતોષ હોઈ શકે છે.
તાજેતરમાં રાજ્યની અનેક નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ રાજકીય અસંતોષ અને જૂથબંધીના બનાવો સામે આવ્યા છે. મહુવાની ઘટના એ જ પ્રકારના આંતરિક વિખવાદનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ODI વર્લ્ડ કપ 2027 માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત : રોહિત-વિરાટના ભવિષ્ય પર મોટો નિર્ણય! જાણો શું છે BCCI માટે સૌથી મોટો પડકાર
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને જૂથ વચ્ચે ખુલ્લેઆમ ધક્કામુક્કી અને મારામારી જોવા મળી રહી છે. આ દ્રશ્યોને લઈને સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
રાજકીય કાર્યક્રમ બાદ જાહેરમાં સર્જાયેલી આ હિંસક ઘટના હવે સ્થાનિક સ્તરે ચર્ચાનો મુખ્ય વિષય બની છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.






