Home Gujarat Gsrtc Bus Fare Decrease Ahmedabad Bhavnagar Dholera Expressway Surat Volvo

ગુજરાતીઓ માટે સારા સમાચાર! : મુસાફરોના હિતમાં GSRTCનો મોટો નિર્ણય, હવે ઓછી કિંમતમાં ઝડપી અને આરામદાયક મુસાફરી

GSRTC Bus Fare
Image Credit: @transporternk
Published by: Nirali Gohil
Last Updated: May 19, 2026, 11:42 AM IST

ગુજરાતમાં એસટી બસ (ST Bus) માં સફર કરતા લાખો મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા, સમયની બચત અને ખિસ્સા પરનો બોજ હળવો કરવા માટે એક ક્રાંતિકારી અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં, રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ હવે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી પ્રીમિયમ એસી (AC) બસ સેવાઓને નવનિર્મિત એક્સપ્રેસ હાઇવે સાથે સંકલિત કરવામાં આવી રહી છે. સરકારના આ માસ્ટર પ્લાનને કારણે મુસાફરોની સફર હવે પહેલા કરતાં વધુ ઝડપી, આરામદાયક અને સસ્તી બનશે.

આ અંતર્ગત અમદાવાદથી ભાવનગર અને અમદાવાદથી સુરત વચ્ચે દોડતી પ્રીમિયમ બસોના રૂટ અને ભાડા માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ બસો હાઈ-સ્પીડ એક્સપ્રેસ વે પરથી પસાર થશે, જેના લીધે મુસાફરોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવું નહીં પડે. મુસાફરીનો સમય ઘટવાની સાથે સાથે એસટી નિગમે ટિકિટના દરોમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની મનમાની સામે સામાન્ય જનતા માટે મોટી રાહત સમાન સાબિત થશે.

અમદાવાદથી ભાવનગર જવું બનશે ફાસ્ટ: ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થશે 24 ટ્રિપ્સ

નવી સત્તાવાર જાહેરાત મુજબ, અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ એસી બસો હવે જૂના રૂટના બદલે નવનિર્મિત 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' પરથી પસાર થશે. આ નવો રૂટ શરૂ થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. નિગમ દ્વારા દરરોજ સવારે ૫ વાગ્યાથી લઈને સાંજના ૬ વાગ્યા સુધી દર કલાકે આ રૂટ પર બસો દોડાવવામાં આવશે, જે અંતર્ગત દિવસ દરમિયાન કુલ 24 ટ્રિપ્સ ઓપરેટ થશે. આટલું જ નહીં, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા તરફ જતી પ્રીમિયમ એસી બસોને પણ હવે આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે રૂટ સાથે જોડી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં ભડકો!: ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં ભડકો!

ભાવનગરના ભાડામાં ઘટાડો, મુસાફરોને સીધો આર્થિક ફાયદો

નવા એક્સપ્રેસ હાઇવેના કારણે અંતર અને સમય ઘટતા GSRTC એ મુસાફરોના હિતમાં ટિકિટના ભાવ પણ ઘટાડ્યા છે. નવા સુધારા બાદ અમદાવાદથી ભાવનગરનું પ્રીમિયમ એસી બસનું ભાડું ઘટાડીને હવે માત્ર રૂ. 336 નક્કી કરવામાં આવ્યું છે. ભાડાના આ નવા માળખાને કારણે દર વખતે મુસાફરી કરનારા મુસાફરોને ટિકિટ દીઠ અંદાજે 15 રૂપિયા સુધીનો સીધો આર્થિક લાભ મળશે.

અમદાવાદ-સુરત વચ્ચે નવી નોનસ્ટોપ વોલ્વો: સીધી 61 રૂપિયાની બચત

બીજી તરફ, હીરાનગરી સુરત અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરતા નોકરીયાતો અને વેપારીઓ માટે પણ નિગમે લોટરી લગાડી છે. 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ના ગુજરાત લિંક પર હવે નવી નોનસ્ટોપ વોલ્વો (Volvo) બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સમયપત્રક અનુસાર, આ પ્રીમિયમ બસ દરરોજ સવારે 6:45 વાગ્યે અમદાવાદના નહેરુનગરથી સુરત જવા માટે ઉપડશે, જ્યારે પરતમાં સુરતથી બપોરે 1:00વાગ્યે અમદાવાદ આવવા માટે રવાના થશે. એક્સપ્રેસ હાઈવે કનેક્ટિવિટીના કારણે મુસાફરીનો સમય તો બચશે જ, સાથે ભાડું પણ ઘટાડીને રૂ. 687 કરાયું છે, જે મુસાફરોને સીધી રૂ. 61 ની મોટી બચત કરાવી આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now