Home Gujarat Ahmedabad Ahmedabad New Mayor Deputy Mayor Bjp Race 2026

અમદાવાદમાં મેયરપદની રેસ તેજ : 26 મેની સામાન્ય સભામાં નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ પર થશે નિર્ણય

AMC
Image Credit: Google
Published by: Chintan Chavda
Last Updated: May 19, 2026, 12:16 PM IST

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પ્રચંડ બહુમતી મેળવી સત્તા જાળવી રાખ્યા બાદ હવે શહેરના આગામી મેયર અને ડેપ્યુટી મેયરને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આગામી 30 દિવસની અંદર નવા પદાધિકારીઓની પસંદગી કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોવાથી પક્ષની અંદર મથામણ વધતી જોવા મળી રહી છે.

આ વખતે મેયરનું પદ અન્ય પછાત વર્ગ (OBC) પુરુષ માટે અનામત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સંભવિત દાવેદારોની યાદી મર્યાદિત બની છે. ભાજપના સંગઠન અને કોર્પોરેશનના અનુભવી ચહેરાઓ વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

હિતેશ બારોટ અને ધરમશી દેસાઈ ચર્ચાના કેન્દ્રમાં

ભાજપના આંતરિક વર્તુળોમાં થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું નામ મેયરપદ માટે મજબૂત દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યું છે. AMC માં પ્રશાસનિક અનુભવ અને સંગઠન સાથેની નજીકતાને કારણે તેઓ આગળ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ બોડકદેવ વિસ્તારના ધરમશી દેસાઈનું નામ પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. તેઓ અગાઉ AMTS સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.

આ ઉપરાંત જશુ ઠાકોર અને રાજુ ઠાકોર જેવા કેટલાક અન્ય નેતાઓના નામ પણ અંદરખાને ચર્ચાઈ રહ્યા છે. જોકે અંતિમ નિર્ણય ભાજપના પ્રદેશ નેતૃત્વ અને સંગઠન દ્વારા રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને લેવાશે.

સૂત્રો મુજબ 26 મેના રોજ યોજાનારી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તે પહેલાં પાર્ટી અંદરથી વિવિધ સ્તરે ચર્ચા અને સમીકરણોનો અંતિમ તબક્કો ચાલશે.

આ પણ વાંચો: હાશ..! હવે અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત : જાણો હવામાન વિભાગની 'ટાઢક' આપતી આગાહી

પશ્ચિમ અમદાવાદનું પ્રભુત્વ વધે તેવી શક્યતા

આ વખતે શહેરના પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટરોને મહત્ત્વ મળવાની શક્યતા વધુ દેખાઈ રહી છે. ભાજપે ચૂંટણીમાં પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કર્યું હોવાથી ટોચના પદો પણ એ જ વિસ્તારમાંથી આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે પક્ષ પરંપરાગત રીતે પૂર્વ અને પશ્ચિમ ઝોન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતો આવ્યો છે.

ડેપ્યુટી મેયર માટે પણ અનેક નામો ચર્ચામાં છે, પરંતુ પક્ષ હજુ સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવા તૈયાર નથી. મહિલા પ્રતિનિધિત્વ, જાતિ આધારિત સમીકરણો અને સંગઠન પ્રત્યેની વફાદારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે તેવી શક્યતા છે.

AMC ની સ્ટેન્ડિંગ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી અને અન્ય મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનપદ માટે પણ ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશનની નાણાકીય અને વિકાસલક્ષી નીતિઓમાં આ સમિતિઓની સીધી ભૂમિકા હોવાને કારણે આ પદોને પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભાજપનો સતત પાંચમો કાર્યકાળ

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે સતત પાંચમી વખત સત્તા જાળવી રાખી છે. 192 બેઠકોમાંથી ભાજપે આશરે 160 બેઠકો જીતતાં વિરોધ પક્ષ કોંગ્રેસ ઘણો પાછળ રહી ગયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે સંગઠન સામે સત્તા સંચાલન માટે યોગ્ય ચહેરાઓ પસંદ કરવાનો પડકાર ઉભો થયો છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી મેયરની પસંદગી માત્ર પ્રોટોકોલ આધારિત નહીં પરંતુ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવશે. શહેરના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક, પાણી અને શહેરી આયોજન જેવા મુદ્દાઓને અસરકારક રીતે સંભાળી શકે એવો ચહેરો આગળ લાવવા ભાજપ પ્રયત્નશીલ છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રિવરફ્રન્ટ, મેટ્રો, રોડ નેટવર્ક અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા છે. હવે આગામી મેયર માટે શહેરી વિકાસની ગતિ જાળવવાની સાથે વધતી વસ્તી અને ટ્રાફિક જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવો મહત્વપૂર્ણ બનશે.

આ પણ વાંચો: રાજકોટવાસીઓને મોટી રાહત : કરોડોના ખર્ચે બનેલો નવો સાંઢીયા પુલ ટૂંક સમયમાં ખુલશે

આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધશે

મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પહેલાં ભાજપની અંદર બેઠકો અને ચર્ચાઓનો દોર તેજ બનશે. કોર્પોરેટરો, પ્રદેશ નેતાઓ અને સંગઠનના વિવિધ મોરચાઓ વચ્ચે સહમતિ બનાવવા પ્રયાસો શરૂ થઈ ગયા છે. જોકે સત્તાવાર જાહેરાત સુધી રાજકીય અટકળો ચાલુ રહેવાની શક્યતા છે.

અમદાવાદના નવા મેયર કોણ બનશે તે હવે આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં શહેરની રાજકીય ચર્ચાનું કેન્દ્ર AMCનું ટોચનું નેતૃત્વ બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now