પ્રાથમિક શાળામાં પ્રવેશ જેવી બાળકના જીવનમાં પરિવર્તન લાવતી એક મહત્વપૂર્ણ ઘટનાને સમાજના લોકોનું વિશેષ મહત્વ મળવું જ જોઇએ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્ર મોદી જાણતા હતા કે શાળામાં બાળકનો પ્રવેશ એ તેના ભાવિ જીવનની કારકિર્દીના વિકાસનો ટર્નિંગ પોઇન્ટ છે. શાળામાં પ્રવેશ એ બાળકના વિકાસનું પ્રથમ સોપાન છે, અને બાળક જ્યારે આ સોપાન ચડતું હોય ત્યારે ગામમાં કોઈ ઉત્સવ હોય તેવા વાતાવરણમાં બાળકનો શાળામાં પ્રવેશ કરાવવો જોઇએ. આ જ વિચારસરણી સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શિક્ષણ ક્ષેત્રે ‘શાળા પ્રવેશોત્સવ’ જેવી એક નવી જ પહેલ કરીને શાળા પ્રવેશ જેટલી સામાન્ય લાગતી બાબતને સાર્વત્રિક સ્વરૂપ આપ્યું હતું. નરેન્દ્ર મોદી એ શરૂ કરાવેલી શાળા પ્રવેશોત્સવ પહેલને બે દાયકાથી વધુ સમય થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે જ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી શાળા પ્રવેશોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પહેલથી ગુજરાતના લાખો બાળકોને શાળા શિક્ષણ મેળવવાની ન માત્ર તક મળી છે, પરંતુ આજે તેઓ શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી કારકિર્દી સાથે ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો છે ગુજરાતના મહીસાગર જિલ્લાના ડેભારી ગામમાં વસતા હેત કાંતિભાઈ જોષીનો, જેમનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
''હાથમાં સ્લેટ, દફ્તર ને પેન આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો''
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સ્થિત ડેભારી ગામમાં વસતા ડૉ. હેત જોષી જણાવે છે કે, વર્ષ 2007માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે અમારા નાનકડા ડેભારી ગામમાં આવ્યા હતા. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. મોદી સાહેબે મારો અને મારી સાથેના તમામ બાળકોનો ડેભારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, અને અમને ભણવા માટેના સ્લેટ, દફ્તર અને પેન પણ આપ્યા હતા. ડૉ. હેતે કહ્યું કે, એ સમયે મોદીજી એક નાનકડું ભાષણ પણ આપ્યું હતું, જેમાં તેમણે અમને ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમે થોડાક વર્ષો પછી યુવાન થશો. તમે લોકો દેશનું યુવાધન છો, દેશનું ભવિષ્ય છો.
''શાળા પ્રવેશોત્સવથી એડમિશન મેળવ્યા પછી...''
ડૉ. હેત જોશી જણાવે છે કે, હું નાનો હતો ત્યારે ભણતર સાથે ખાસ લગની નહોતી. મને બાલમંદિરમાં મૂક્યો હતો, પણ મને બહુ શાળાએ જવું ગમતું નહીં. પણ શાળા પ્રવેશોત્સવ થકી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો. નવી શાળામાં મારે નવા મિત્રો બન્યા. ત્યારબાદ મને શાળામાં જવાની મજા આવવા લાગી. ચાર-પાંચ દિવસ પછી હું કોઇપણ વિરોધ વગર જાતે જ શાળાએ જવા લાગ્યો હતો. પછી તો એવું થયું કે ઘર કરતા સ્કૂલમાં વધુ મજા આવતી. એ પછી તો શિક્ષણ પણ ગમવા લાગ્યું. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રસ પડ્યો. વિજ્ઞાન વિષયમાં રસને કારણે ધો 10 પછી, ધોરણ 11 અને 12માં મેં સાયન્સ લીધું અને ડોક્ટર બનવાનું સપનું જોયું.
નીટની પરીક્ષામાં પાસ થઈને....
ડૉ. હેત જણાવે છે કે શિક્ષણનો પાયો તો ધો 1 થી 5 સરકારી શાળામાં ભણ્યો ત્યારે જ નખાયો હતો. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ એટલે કે ધો 6 થી 10 હું લુણાવાડાની શાળામાં ભણ્યો. હું આ માટે બસમાં અપડાઉન કરતો હતો. તે પછી મેં ધોરણ 11-12 સાયન્સ માટે વડોદરાની પાર્થ સ્કૂલ ઑફ સાયન્સ એન્ડ કોમ્પિટિશનમાં એડમિશન મેળવ્યું. એ સમયે મેડિકલમાં એડમિશન માટે નવું નવું NEET આવ્યું હતું. નીટની પરીક્ષા માટેની મારી ત્રીજી બેચ જ હતી. સાયન્સ સ્કૂલમાં અમારે નિયમિત ટેસ્ટ લેવામાં આવતી ને શિક્ષકો દ્વારા રેગ્યુલર કાઉન્સેલિંગ પણ થતું. જે વિષયમાં નબળા હોઇએ તેના માટે શિક્ષકો મદદરૂપ થતા. છેલ્લા 6-8 મહિના ખૂબ મહેનત કરી અને મારો આત્મવિશ્વાસ વધ્યો. 12મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી, નીટની પરીક્ષા પાસ કરી અને તેમાં પણ 720 માર્ક્સમાંથી 555 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો અને મને મેરિટમાં જ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. આ એક સરકારી મેડિકલ કોલેજ છે, જેમાં ફીસ પણ ખાનગી કોલેજો કરતા ઓછી હોય છે, એટલે આર્થિક રીતે પણ મને ડોક્ટર બનવામાં બહુ મુશ્કેલી ન પડી.
વીરપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત
ડૉ. હેત જોષીએ કોવિડ-19ના સમયગાળામાં એમબીબીએસના પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષા આપી હતી. તેઓએ ગત વર્ષે એટલે કે 2024માં જ એમબીબીએસના છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી છે. અને વર્ષ 2025માં તેઓની મેડિકલ ઇન્ટર્નશીપ પણ પૂર્ણ થઈ ગઈ છે. આજે ડૉ. હેત વીરપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શરૂ થયેલી શિક્ષણની સફર શ્રી હેત જોષીને ડોક્ટર બનવા સુધી દોરી ગઈ છે. તેઓ આજે રાજ્યના એક પ્રતિભાશાળી ડૉક્ટર છે, જેમની સામે મેડિકલ ક્ષેત્રનું એક ઉજ્જવળ ભવિષ્ય છે. ડૉ. હેત કહે છે કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે જ મને સ્કૂલનું એક્સપોઝર મળ્યું છે, જેનું મારા જીવનમાં ખૂબ જ મહત્વ છે.

_4138687a-fbec-4074-aea8-0586c6d23461.jpg)




