Maharashtra news: ભારતમાં ક્રિકેટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, હજુ બે દિવસ પહેલા જ IPL 2026 માં RCB એ તેનું બીજું ટાઇટલ જીત્યું છે. જીતની ચર્ચાઓ હજુ શમી ન હતી ત્યાં જ રમત જગતમાંથી એક દિલ દહલાવી દે તેવી ઘટના સામે આવી છે. ક્રિકેટમાં પિચની મહત્વની ભૂમિકા હોય છે, પિચને રોલર દ્વારા તૈયાર અને સરખી કરવામાં આવે છે. પરંતુ આ રોલર એક 15 વર્ષના છોકરા માટે કાળ સાબિત થયું. પોલીસે મંગળવારે જણાવ્યું કે, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક સમર કેમ્પ (ઉનાળુ શિબિર) દરમિયાન પિચ પર ઉપયોગમાં લેવાતા ભારે રોલર નીચે દબાઈ જવાથી 15 વર્ષના એક છોકરાનું મોત નીપજ્યું છે.
કેવી રીતે થયું મોત?
આ ઘટના બાદ બે કોચ અને ક્રિકેટ એસોસિએશન વિરૂદ્ધ 'ગેરકાનૂની મનુષ્યવધ' (સાપરાધ મનુષ્યવધ) નો ગુનો નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, મૃતક આરવ ઉર્ફે વિરેન ચૌધરીને 30 મેની સવારે તે સમયે જીવલેણ ઈજાઓ થઈ હતી, જ્યારે તે પ્રેક્ટિસ સેશન માટે પિચ તૈયાર કરતી વખતે અન્ય બાળકો સાથે મળીને તે ભારે રોલરને ખેંચી રહ્યો હતો, પરંતુ અચાનક તે તેની નીચે ફસાઈ ગયો હતો.
કલમ 105 હેઠળ ગુનો દાખલ
અધિકારીએ જણાવ્યું કે, બાર્શી શહેર પોલીસે બે કોચ અને ક્રિકેટ એસોસિએશન વિરૂદ્ધ 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ, જે હત્યાની શ્રેણીમાં નથી આવતો) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે બાળકો કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિની દેખરેખ કે સુરક્ષાના પગલાં વિના જ તે ભારે રોલરને ખેંચી રહ્યા હતા.
શિક્ષણ જગતમાં ખળભળાટ: CBSEના ચેરમેન અને સચિવ હટાવાયા : રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાયબર એટેક
આગળની તપાસ હાથ ધરાશે
માહિતીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, છોકરાનું મોત કઈ પરિસ્થિતિઓમાં થયું તે અંગે આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી બાળકના પરિવારમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. માતા-પિતા પોતાના પુત્રના અવસાનથી આઘાતમાં છે. પોલીસ સતત તપાસમાં જોતરાયેલી છે અને શોધી રહી છે કે આખરે બાળક રોલરની નીચે કેવી રીતે ફસાયો.





