Mamata banerjee: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શરૂ થયેલો રાજકીય હોબાળો હવે થમવાનું નામ નથી લઈ રહ્યો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ટોચના નેતાઓને નિશાન બનાવીને કરવામાં આવેલી કથિત હિંસાના વિરોધમાં આજે પાર્ટી સુપ્રિમો મમતા બેનર્જી પોતે કોલકાતાના રસ્તાઓ પર ઉતરશે. તેઓ રાની રાશમોની રોડ પર આયોજિત એક મોટા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. આ પ્રદર્શન ટીએમસીના કદાવર નેતા અભિષેક બેનર્જી અને સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા તાજેતરના હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે પોલીસની પરવાનગી મળે કે ન મળે, ટીએમસી આજે 2 જૂને કોઈપણ સંજોગોમાં પોતાનો વિરોધ નોંધાવશે.
ભલે ધરપકડ કરી લો, રોકી નહીં શકો: મમતા બેનર્જી
પોતાના કડક વલણ માટે જાણીતા મમતા બેનર્જીએ આ ઘટનાક્રમ પર ઊંડો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે એક વીડિયો નિવેદન જાહેર કરીને દેશની ચોથી સૌથી મોટી વિપક્ષી પાર્ટીના સાંસદો પર થયેલા હુમલાને શરમજનક ગણાવ્યો છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે ઘાયલ નેતાઓની સારવાર રોકવા માટે હોસ્પિટલો પર વહીવટી દબાણ લાવવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે સરમુખત્યારશાહી છે. તેમણે કહ્યું કે જો પોલીસે અમને કોલકાતામાં રોક્યા, તો અમે અમારું આંદોલન દેશની રાજધાની નવી દિલ્હી લઈ જઈશું. તમે અમને ડરાવીને કે લાંચ આપીને નબળા પાડી શકશો નહીં.
અભિષેક બેનર્જીની આંખમાં ઈજા
ટીએમસી નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પછી ભડકેલી હિંસાથી પ્રભાવિત પરિવારોને મળવા દરમિયાન આયોજનબદ્ધ રીતે તેમના પર હુમલા કરવામાં આવ્યા હતા. દક્ષિણ 24 પરગણામાં પ્રવાસ દરમિયાન અભિષેક બેનર્જીની ગાડી પર ઈંટો, પથ્થરો અને ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે તેમની આંખમાં ઈજા થઈ છે. તેમણે આને સીધો 'ભાજપ પ્રેરિત' હુમલો ગણાવ્યો છે. બીજી તરફ, સાંસદ કલ્યાણ બેનર્જીએ ચાંદીતલા પોલીસ સ્ટેશન પાસે આવેદનપત્ર સોંપતી વખતે પોતાના પર થયેલા હુમલાને 'હત્યાનો પ્રયાસ' ગણાવ્યો છે. આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે.
IPL ફાઇનલ અમદાવાદ ખસેડાતા હંગામો! : કર્ણાટક સરકારના આરોપોથી ગરમાયું રાજકારણ! શું છે આખો વિવાદ?
BJPનો પલટવાર
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ મમતા બેનર્જીના આ આરોપોને સદ્દંતર ફગાવી દેતા આને એક રાજકીય નૌટંકી ગણાવી છે. ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિંહાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ટીએમસી એક એવી પાર્ટી છે જે હવે સહીઓ પણ ચોરવા લાગી છે, તેમનું નામ તો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં હોવું જોઈએ. સિંહાએ દાવો કર્યો હતો કે અભિષેક બેનર્જી પર કોઈ હુમલો થયો નહોતો, પરંતુ આ આખો ઘટનાક્રમ તેમણે પોતે જ રચ્યો હતો, જેથી તેઓ પોતાની સુરક્ષા વધારવાની માંગને યોગ્ય ઠેરવી શકે અને ભાજપને બદનામ કરી શકે. તેમણે કહ્યું કે જનતા આ ઢોંગમાં આવવાની નથી.





