મધ્યપ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની વિશેષ બેઠકમાં UCCના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. હવે આ વિધેયકને 20 જુલાઈથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
રાજધાની ભોપાલ નજીક આવેલા જગદીશપુરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાયદાનો મુખ્ય હેતુ મહિલાઓને સમાન અધિકારો આપવાનો, સામાજિક સમરસતા વધારવાનો અને પારિવારિક કાયદાઓમાં એકરૂપતા લાવવાનો છે.
આદિવાસી સમુદાયને UCCમાંથી અપાશે મુક્તિ
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયને UCCના દાયરાથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિ સમક્ષ મળેલા સૂચનોના આધારે આ ભલામણ સ્વીકારવામાં આવી છે.
મુખ્યમંત્રીએ દાવો કર્યો કે સમિતિ સમક્ષ આશરે 80 ટકા મુસ્લિમ મહિલાઓએ જ્યારે લગભગ 40 ટકા મુસ્લિમ પુરુષોએ UCCના સમર્થનમાં અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ રાજકીય પક્ષોને પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને મહિલા સશક્તિકરણ, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવતા આ વિધેયકને સમર્થન આપવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતની પુષ્ટિ : 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત
કોંગ્રેસે સમિતિ સમક્ષ રજૂઆત કરી નહીં: CM
મોહન યાદવે જણાવ્યું કે UCCના ડ્રાફ્ટ માટે રચાયેલી સમિતિ સમક્ષ ભાજપ, આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જોકે કોંગ્રેસે સમિતિ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો નહોતો.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રસ્તાવિત વિધેયકમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ, દત્તક, સરોગસી અને ART (ટેસ્ટ ટ્યુબ બેબી) દ્વારા જન્મેલા બાળકોને સમાન કાનૂની દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
રિટાયર્ડ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ તૈયાર કર્યો ડ્રાફ્ટ
રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી. સમિતિએ તાજેતરમાં મુખ્યમંત્રીને પોતાનો અંતિમ અહેવાલ સોંપ્યો હતો, જેમાં આદિવાસી સમુદાયને UCCમાંથી બહાર રાખવાની ભલામણ કરવામાં આવી હતી.
સમિતિને લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસાગત હક્ક, દત્તક ગ્રહણ અને લિવ-ઇન સંબંધો જેવા વ્યક્તિગત અને પારિવારિક કાયદાઓનો અભ્યાસ કરીને મધ્યપ્રદેશની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિને અનુરૂપ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: જુનાગઢના માણાવદર શાકમાર્કેટમાં બે આખલાઓ વચ્ચે જંગ : દુકાનમાં ઘૂસતા મચી અફરાતફરી, જુઓ Video
404 કલમો અને 7 અનુસૂચિઓ ધરાવતો પ્રસ્તાવિત કાયદો
સમિતિનો અહેવાલ ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અમલમાં રહેલા કાયદાઓ અને પરંપરાઓના અભ્યાસના આધારે ભલામણો આપવામાં આવી છે.
બીજા ભાગમાં પ્રસ્તાવિત UCC વિધેયકનો ડ્રાફ્ટ સામેલ છે, જેમાં ચાર ભાગ, કુલ 404 કલમો અને સાત અનુસૂચિઓનો સમાવેશ થાય છે. ત્રીજા ભાગમાં જાહેર પરામર્શનો વિગતવાર અહેવાલ સામેલ કરવામાં આવ્યો છે.
સમિતિને જિલ્લા સ્તર, રાજ્ય સ્તર અને વેબસાઇટ મારફતે કુલ 9.58 લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા. આ સૂચનોનું પ્રશ્નવાર, સમુદાયવાર અને લિંગના આધારે વિશ્લેષણ કરીને અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
20 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર
મધ્યપ્રદેશ વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ દરમિયાન રાજ્ય સરકાર UCC વિધેયક ગૃહમાં રજૂ કરશે. વિધેયક પર ચર્ચા બાદ તેને મંજૂરી મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.






