ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં થોડા દિવસ પહેલા એક યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ આ પ્રેમ કહાની નિકોરા ગામમાં આફત બનીને આવી હતી. સમગ્ર ઘટના એવી છે કે, ગામના યુવકે ગામની જ યુવતી સાથે અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ બંન્નેને ત્યા રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં પોલીસે બંન્ને પક્ષોને સમજાવટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રેમી પંખીડા લગ્ન કરી ફરી ગામમાં આવતા સ્થિતિ વણસી ગઈ હતી.
બંને પક્ષો વચ્ચે વિવાદ વધતા પ્રેમકહાની મારામારીમાં ફેરવાઈ
યુવકના ગામમાં પ્રવેશ કરતા સાથે જ ગામમાં ધીંગાણું મચી ગયું હતું. બંને પક્ષો વચ્ચે વાદ વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારોથી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગ્રામજનો એકબીજા પર લાકડીઓથી હુમલા કરતા જોવા મળે રહી છે.મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વીડીયો વાયરલ થયા બાદ નબીપુર પોલીસે ઘટનાની ગંભીરતા લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો છે.






