Vadodara Food Safety : વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ખોરાક શાખાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન જાણીતા રિટેલ આઉટલેટ્સ અને મોટા વેપારીઓને ત્યાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. ખાસ કરીને માંજલપુર સ્થિત રિલાયન્સ રિટેલ જેવા મોટા સ્ટોરમાંથી લેવાયેલી ચણાદાળ પણ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આ મામલે કડક દંડનીય કાર્યવાહી સાથે કાયદેસરની નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
125 એકમોમાં સપાટો: જાણીતી બ્રાન્ડ્સ રડારમાં
ખોરાક શાખાની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના સરદાર એસ્ટેટ, વારસિયા, હાથીખાના, છાણી, જૂના પાદરા રોડ અને મકરપુરા સહિતના વિસ્તારોમાં કુલ 125 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 45 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતા. જેમાંથી 4 મુખ્ય નમૂનાઓ નિર્ધારિત સ્વાસ્થ્ય ધોરણો મુજબ ન જણાતા તેને 'ફેલ' જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં બિચ્છુ ગેંગનો આતંક યથાવત્ : જેલમાંથી બહાર આવતા જ આરોપીએ બે ભાઈઓ સાથે ના કરવાનું કર્યું!
કયા એકમોના નમૂના નાપાસ થયા?
તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નીચે મુજબના એકમોમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે:
રિલાયન્સ રિટેલ લિ. (માંજલપુર રોડ): અહીંથી લેવાયેલી 'ચણાદાળ' નો નમૂનો પરીક્ષણમાં ફેલ થયો છે.
ગોકુળ ટ્રેડર્સ (છાણી રોડ): દૂધની બનાવટોમાં સૌથી વધુ વપરાતા 'પનીર' નો નમૂનો અહીં નાપાસ થયો છે.
વ્રજ ફૂડ્સ (ડભોઇ-વાઘોડિયા રોડ): મીઠાઈ અને ફરસાણમાં વપરાતા 'બેસન' ની ગુણવત્તા હલકી કક્ષાની જણાઈ છે.
શ્રી માધવ ટ્રેડર્સ (હાથીખાના): રસોડાના મુખ્ય મસાલા એવા 'હળદર પાવડર' માં પણ ભેળસેળ સામે આવી છે.
ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે રૂ. 58,500નો દંડ
માત્ર ખાધ્ય પદાર્થો જ નહીં, પરંતુ જે એકમોમાં અસ્વચ્છતા જોવા મળી તેમની સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે. ચેકિંગ દરમિયાન અનેક હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાં ભારે ગંદકી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આ નિયમ ભંગ બદલ ફૂડ શાખાએ કુલ રૂ. 58,500નો વહીવટી દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 7 એકમોને તાકીદે સુધારણા કરવા માટેની નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આગામી દિવસોમાં કોર્ટ કાર્યવાહીની તૈયારી
વડોદરા ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા અનુસાર, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કોઈપણ નાના કે મોટા વેપારીને બક્ષવામાં આવશે નહીં. જે એકમોના નમૂના ફેલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કોર્ટ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે.





