Home Gujarat Surat Surat Ugat Canal Road Rander Teen Attacked Police Action

સુરતમાં રોડરેજ : 'જોઈને ગાડી ચલાવ' તેમ કહેતા જ મોપેડ ચાલક ઉશ્કેરાયો, ધોરણ 8ના વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો

SuratRander Attack
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 06:48 AM IST

Surat News: ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારોનો ખોફ એટલો વધી રહ્યો છે કે હવે રસ્તા પર ચાલતી વખતે કોઈને ટોકવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતના રાંદેર વિસ્તારમાં ઉગત કેનાલ રોડ પાસે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 'જોઈને ગાડી ચલાવવાનું' કહેતા એક ઉશ્કેરાયેલા મોપેડ ચાલકે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 15 વર્ષીય માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપીની ધરપકડ કરી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, રાંદેરના ઉગત કેનાલ રોડ પર આવેલી રામ રેસિડેન્સી પાસે સમર્થ અને તેનો ભાઈ યશ રસ્તાની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી યશને ટક્કર મારી હતી. સદનસીબે યશને મોટી ઈજા નહોતી થઈ, પરંતુ જ્યારે બંને ભાઈઓએ મોપેડ ચાલકને 'જોઈને ગાડી ચલાવવાનું' કહ્યું, ત્યારે આરોપી લોહીતરસ્યો બની ગયો હતો.

વિદ્યાર્થી પર ઘાતક હુમલો અને ઝપાઝપી

સામાન્ય શિખામણ મળતા જ અહમ ઘવાયેલા મોપેડ ચાલકે ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વિવાદ એટલો વધ્યો કે આરોપીએ 15 વર્ષના સમર્થ અને તેના ભાઈ યશ પર હુમલો કરી દીધો હતો. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ સમર્થ પર હિંસક હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં સમર્થને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમર્થ અત્યારે ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છે અને આ નાની ઉંમરે તેના પર થયેલા હુમલાથી પરિવાર આઘાતમાં છે.

આ પણ વાંચો: વડોદરામાં બિચ્છુ ગેંગનો આતંક યથાવત્ : જેલમાંથી બહાર આવતા જ આરોપીએ બે ભાઈઓ સાથે ના કરવાનું કર્યું!

CCTV ફૂટેજ અને પોલીસની કાર્યવાહી

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ રાંદેર પોલીસ હરકતમાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે મોપેડ ચાલક દાદાગીરી કરી રહ્યો છે અને બાળકો પર હાથ ઉપાડી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોપેડના નંબરના આધારે તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપીને ઝડપી પાડ્યો છે.

લોકોમાં રોષ અને સુરક્ષાના સવાલો

સુરતના પોશ ગણાતા રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે રસ્તા પર સુરક્ષિત ચાલવું પણ મુશ્કેલ છે? હાલમાં રાંદેર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now