20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 40-45 કિમી પ્રતિ કલાક રહેશે પવનની ઝડપ
રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની શક્યતા
બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rainfall Alert: ભરઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠાએ ચિંતા વધારી છે. આજે ચોમાસા જેવી ચેતવણી વચ્ચે ગુજરાતમાં મુસીબત લાવી શકે છે માવઠાનું તાંડવ. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વરસાદ, વીજળી અને તોફાની પવનનો ખતરાની ચેતવણી આપવામાં આવી છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સ્થિતિ જગતના તાત માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
રાજ્યમાં ફરી સક્રિય માવઠું, અનેક જિલ્લાઓમાં અસર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજે 7 એપ્રિલે રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. આ સાથે જ 20થી વધુ જિલ્લાઓમાં વીજળી સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિ ભરઉનાળામાં અસામાન્ય ગણાય છે, જેના કારણે લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે.
40-45 કિમી ઝડપે પવન અને વીજળીનો ખતરો
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન પવનની ઝડપ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે વીજળી પડવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન વધુ તીવ્ર રહેવાની સંભાવના છે, જેના કારણે માછીમારોને સુરક્ષા દ્રષ્ટિએ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગે 7 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શું અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે વરસાદ?
આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જોકે, વાતાવરણમાં પલટાથી દિવસ દરમિયાન ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાંક વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પડી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Update : ગુજરાતમાં માવઠાની આફત! આગામી 48 કલાક આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ખેડૂતો માટે વધતી ચિંતા, પાકને નુકસાનની ભીતિ
ભરઉનાળે સતત ચોથું માવઠું આવતા ખેડૂતો માટે ચિંતા વધી છે. ખાસ કરીને રબી પાકની કાપણીનો સમય ચાલી રહ્યો હોવાથી આ પ્રકારના વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે. ગહું, જીરૂ, ચણા અને અન્ય પાકો ખેતરમાં તૈયાર હાલતમાં છે, જેમાં વરસાદ અને પવનના કારણે નુકસાન થઈ શકે છે. ખેડૂતો માટે આ પરિસ્થિતિ આર્થિક રીતે પણ પડકારરૂપ બની શકે છે. આ પ્રકારનું અચાનક હવામાન પરિવર્તન માત્ર રોજિંદી જીવનને અસર કરતું નથી, પરંતુ કૃષિ, પરિવહન અને માછીમારી ક્ષેત્રને પણ અસર કરે છે. ભરઉનાળે કમોસમી વરસાદને કારણે ખેતી પર સીધી અસર થઈ શકે છે. સાથે જ ખેતરમાં વાવેલા પાક પર નુકસાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને કારણે હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
આ પણ વાંચોઃ આ સામાન્ય શાકભાજી ગુજરાતના ખેડૂતોને લાખોની આવક અપાવી રહી છે! : માત્ર 60 દિવસમાં પાક તૈયાર — ઓછા ખર્ચે વધુ નફો
ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોની સુરક્ષા સામે પણ જોખમ ઉભું થયું છે. જેને પગલે આજથી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં ટ્રાફિક અને રોજિંદા જીવનમાં વિક્ષેપ ઉભો થઈ શકે છે. તેમજ તાપમાનમાં અચાનક ફેરફારથી આરોગ્ય પર પણ માઠી અસર થવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે.





