રાજકોટમાં સ્થાનિક ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય તણાવ વધ્યો છે. રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે ફરજમાં અડચણ ઊભી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બેનર ઉતરતા કર્મચારીઓ સાથે બોલાચાલી
ફરિયાદ મુજબ, રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાના કર્મચારી દિગ્વિજયસિંહ જાડેજા પોતાની ટીમ સાથે શહેરના વિવિધ વોર્ડોમાં બેનર-પોસ્ટર હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન કુવાડવા રોડ વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ પર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરો ઉતારવામાં આવ્યા હતા. આ દરમ્યાન બંને નેતાઓ સ્થળ પર પહોંચી બેનર ઉતારવાનું રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ
પોલીસે આ મામલે BNSની કલમ 221, 121(1) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
"મનપાના અધિકારીઓ પાસે બેનર હટાવવાનો કોઈ લેખિત ઓર્ડર નહોતો" રાહુલ ભૂવા
બીજી તરફ, આ આરોપોને લઈને રાહુલ ભુવાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો 31 માર્ચનો છે, જ્યારે જાહેર રજા હતી અને તે દિવસે કોઈ આચારસંહિતા લાગુ નહોતી. તેમના અનુસાર, મનપાના અધિકારીઓ પાસે બેનર હટાવવાનો કોઈ લેખિત ઓર્ડર નહોતો અને તેઓએ સ્થાનિક લોકોના ઘરોમાં લગાવેલા બેનરો પણ દૂર કર્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
આ પણ વાંચો: દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાતા રાજકોટનું રાજકારણ ગરમાયું : કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ કર્યા નક્કી, નયનાબા જાડેજા ફરી મેદાનમાં!
"અધિકારીઓ રાજકીય દબાવ હેઠળ કામ કરે છે" રાહુલ ભૂવા
રાહુલ ભુવાએ વધુમાં આક્ષેપ કર્યો કે મનપાની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના બેનરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય પક્ષોના બેનરો યથાવત રાખવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે અધિકારીઓ કોઈ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.





