કિર્ગિસ્તાનના પ્રખ્યાત ઇસિક કુલ તળાવ હેઠળ રશિયન પુરાતત્વવિદોએ એક વિશાળ અને સુવ્યવસ્થિત શહેરના અવશેષો મળ્યાનું જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ મુજબ, આ શહેર સંભવિત રીતે 15મી સદીમાં આવેલા વિનાશકારે ભૂકંપ પછી પાણીમાં સમાઈ ગયું હતું. આ શોધે ગ્રીક ફિલસૂફ પ્લેટો દ્વારા ઉલ્લેખિત “એટલાન્ટિસ” જેવી કથા ફરી ચર્ચામાં લાવી દીધી છે.
રશિયન એકેડેમી ઓફ સાયન્સના નિષ્ણાતોની ટીમ છેલ્લા કેટલાક મહિનાથી તળાવના તળિયે સર્વે કરી રહી છે. તેઓ માને છે કે આ સ્થળ પર ક્યારેક વેપાર અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર હતું. તળાવ વિશ્વના સૌથી ઊંડા તળાવોમાંથી એક છે, અને હાલમાં ખોદકામનું કામ વિસ્તૃત પાયે ચાલી રહ્યું છે.
ઈંટ, પથ્થર અને લાકડાની મજબૂત ઇમારતોના અવશેષો
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે મળેલા અવશેષોમાં મકાન, વેપારી સંકુલો અને અનાજ પીસવા માટે ઉપયોગી મોટી ઘંટીઓનો સમાવેશ થાય છે. ઇમારતોના માળખામાં શેકેલી ઈંટ, પથ્થર અને લાકડાના બીમનો ઉપયોગ થયો હતો, જેને આધારે શહેર ઊંચી ટેકનિક અને સારા શહેરી આયોજનવાળું હોવાનું માનવામાં આવે છે.
મોટું કબ્રસ્તાન મળી આવ્યું, ઇસ્લામિક સંસ્કારનો પુરાવો
અવશેષોમાં વિશાળ કબ્રસ્તાન પણ શોધાયું છે. દફન થયેલ વ્યક્તિઓને માથું ઉત્તર તરફ રાખીને કિબલા દિશામાં મૂકવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ શહેરમાં ઇસ્લામિક સંસ્કૃતિ પ્રભાવશાળી હતી. પુરાતત્વવિદો માને છે કે નજીકનું એક મોટું માળખું મસ્જિદ, મદરેસા અથવા સ્નાનગૃહ હોઈ શકે.
ભૂકંપથી પાણીમાં સરકેલું શહેર, લોકો પહેલાથી ભાગી ગયા હતા
પ્રારંભિક પુરાવાઓ સૂચવે છે કે ભૂકંપ પહેલા જ મોટાભાગના રહેવાસીઓએ શહેર છોડ્યું હતું, તેથી વ્યાપક માનવીય જાનહાનિની શક્યતા ઓછી છે. આપત્તિ બાદ અહીં ભટકતા સમુદાયો આવ્યા અને તળાવની આસપાસ નાના ગામડાઓ રચ્યા.
શું આ હોય શકે પ્લેટોનું એટલાન્ટિસ?
ગ્રીક ફિલસૂફ પ્લેટોએ હજારો વર્ષ પહેલાં “એટલાન્ટિસ” નામના એક અદ્વિતીય સંપન્ન ટાપુ નગરનું વર્ણન કર્યું હતું, જે દુર્ભાગ્યપૂર્ણ કુદરતી વિપત્તિ પછી સાગરમાં સમાઈ ગયું હતું. વર્ષોથી ઘણા લોકો તેને કલ્પના ગણાવી ચૂક્યા છે, જ્યારે કેટલાક માને છે કે આવું કોઈ શહેર હકીકતમાં અસ્તિત્વમાં હતું.
ઇસિક કુલ તળાવનું આ રહસ્યમય શહેર પ્લેટોના વર્ણનને યાદ કરાવે છે અને વૈજ્ઞાનિકો માને છે કે કદાચ એટલાન્ટિસ જેવી અનેક પ્રાચીન નગરો ઇતિહાસમાંથી ગાયબ થઈ ગઈ હોઈ શકે.




















