યુનાઇટેડ સ્ટેટ્સમાં રસ્તાઓને વધુ સુરક્ષિત અને ખાડામુક્ત બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે. આ ટેકનિક માત્ર રસ્તાની ખરાબ સ્થિતિ ઓળખી નથી રહી, પરંતુ કયા ભાગનું સમારકામ તાત્કાલિક જરૂરી છે, ક્યાં રેલિંગ ખૂટે છે, ક્યાં સાઇનબોર્ડ સુધારવા પડશે અને ક્યાં ચેતવણી ચિહ્નો લગાડવા જોઈએ તેનું મૂલ્યાંકન પણ કરી રહી છે.
આ સ્માર્ટ કેમેરા રસ્તાની માહિતી સીધી સંબંધિત વિભાગ સુધી પહોંચાડે છે, જે બાદ રિપેર ટીમો સ્થળ પર જઈ તાત્કાલિક સમારકામ કરે છે. નિષ્ણાતો માને છે કે આ મોડલ અપનાવવાથી ભારતમાં પણ રોડ અકસ્માતો અને ખાડા સંબંધિત સમસ્યાઓમાં મોટો ઘટાડો થઈ શકે છે.
કેવી રીતે કામ કરે છે AI આધારિત રોડ મોનીટરીંગ સિસ્ટમ
હવાઈ રાજ્યમાં માર્ગ સલામતી વધારવા માટે અત્યાર સુધી 1,000 થી વધુ ડેશબોર્ડ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરા ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર દ્વારા એનીલાઈઝ કરી શકે છે કે રોડની કઈ જગ્યાએ જોખમ છે અને તરત રિપોર્ટ મોકલી શકે છે.
કેલિફોર્નિયાના સાન જોક્વિન વિસ્તારમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું કે સ્માર્ટ સિસ્ટમ 97 ટકા સુધી સાચી જાણકારી આપે છે. અહીં શેરી સફાઈ કર્મચારીઓ અને ફિલ્ડ સ્ટાફને પણ એ AI સિસ્ટમના પ્રાથમિક વપરાશકર્તા તરીકે તાલીમ આપવામાં આવી છે.
ટેક્સાસમાં જનતા પણ મિશનમાં જોડાઈ
ટેક્સાસ રાજ્યમાં રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ માત્ર સરકારી એજન્સીઓ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો પણ કરી રહ્યા છે. સ્વયંસેવક ડ્રાઈવરોના વાહનોમાં કેમેરા લગાવી મોબાઇલ ડેટા દ્વારા ખરાબ રોડ સેગમેન્ટ સ્કેન કરી રિપોર્ટ કરવામાં આવે છે.
હવાઈમાં "Eyes on the Road" ઝુંબેશ
2021 થી હવાઈમાં એક વિશેષ ઝુંબેશ ચાલી રહી છે જેમાં દરેક વાહનમાં $499ના ડેશકેમ મફતમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલમાં હવાઈ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર રોજર ચેનની ટીમે પણ મહત્વનો ફાળો આપ્યો છે.
જર્જરિત રસ્તા સુધારવા માટે નવી સ્ટાર્ટઅપ્સ
સાન જોક્વિનના મેયર મેટ મહાનએ રસ્તા સુધારણા માટે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે, જેનો હેતુ શહેરમાં બનેલા ડેમેજ્ડ રોડના ફોટા-વિડિઓ AI ડેટાબેઝમાં અપલોડ કરી સમારકામની પ્રક્રિયા ઝડપાવાનો છે.
ભવિષ્યમાં AIનો ઉપયોગ વધુ વિસ્તરશે
રોડ સલામતી ટેકનોલોજીના નિષ્ણાતો અનુમાન આપે છે કે આગામી વર્ષોમાં લગભગ દરેક વાહન AI કેમેરા અને રોડ એનાલિટિક્સ સિસ્ટમથી સજ્જ થશે, જેના કારણે
ખાડા ઝડપથી શોધી સમારકામ થઈ શકશે
સાઇનબોર્ડ અને રેલિંગનું નિરીક્ષણ સ્વચાલિત થશે
અકસ્માતોની સંખ્યા ઘટશે
ભારત જેવા દેશમાં જ્યાં દર વર્ષે હજારો લોકો રોડ ખાડા અને ખરાબ રસ્તાની સ્થિતિના કારણે અકસ્માતમાં મૃત્યુ પામે છે, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ‘સેફ રોડ મોડલ’ બની શકે છે.




















