Home International Lng Tanker Reaches India Via Hormuz Strait During Iran War Update

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત માટે સૌથી મોટા સમાચાર : 1 મહિનાથી ગાયબ LNG ટેન્કર હોર્મુઝની 'કસોટી' પાર કરી ભારત પહોંચ્યું

Hormuz Strait Crisis, LNG Tanker India
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 12:55 PM IST

LNG Tanker Update: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધના કારણે સમગ્ર વિશ્વની ઊર્જા સપ્લાય લાઈન જોખમમાં મુકાઈ છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વની ગણાતી 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) ફેબ્રુઆરીના અંતથી લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. આ ભયાનક તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત પોઝિટિવ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) થી ભરેલું એક વિશાળ ટેન્કર હોર્મુઝ પાર કરીને ભારતના દરિયાકાંઠે સફળતાપૂર્વક પહોંચી ગયું છે.

આ ઘટના એટલે મહત્વની છે કારણ કે અત્યાર સુધી આ રસ્તેથી માત્ર તેલ અને LPG ના જહાજોને જ મંજૂરી મળી રહી હતી, પરંતુ ગેસ ટેન્કર પસાર થવાની આ પ્રથમ ઘટના છે. યુએઈની એડીએનઓસી (ADNOC) કંપની દ્વારા સંચાલિત આ જહાજે જે રીતે યુદ્ધના મેદાનમાંથી રસ્તો કાઢ્યો છે, તે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. આ સફળતા બાદ ભારતની ઊર્જા સુરક્ષાને લઈને ચાલી રહેલી ચિંતાઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

ટ્રેકિંગથી બચવા 'ઘોસ્ટ મોડ'માં ગયું જહાજ: સિગ્નલ બંધ કરી પાર કર્યો હોર્મુઝ

રોયટર્સ અને શિપ ટ્રેકિંગ ડેટાના અહેવાલો મુજબ, 1,36,357 ઘન મીટરની પ્રચંડ ક્ષમતા ધરાવતું આ LNG ટેન્કર 30 માર્ચ પછી અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, જહાજના કેપ્ટને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરવા માટે એક ખાસ વ્યૂહનીતિ અપનાવી હતી. ઈરાની હુમલા કે ટ્રેકિંગથી બચવા માટે જહાજે પોતાનું ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) એટલે કે સિગ્નલ બંધ કરી દીધું હતું. હોર્મુઝ પસાર કર્યા બાદ જ્યારે જહાજ સુરક્ષિત વિસ્તારમાં પહોંચ્યું, ત્યારે ફરીથી સિગ્નલ ચાલુ કરવામાં આવ્યું હતું, જેનાથી તેના લોકેશનની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં મોંઘવારીનો જ્વાળામુખી ફાટશે! : હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ઈંધણ માટે મચ્યો હાહાકાર, માત્ર 5 દિવસનો જ ક્રૂડ સ્ટોક બાકી

ભારત માટે કેમ મહત્વનું છે આ ટેન્કર?

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે અને તે વિશ્વનો ચોથો સૌથી મોટો LNG ખરીદનાર દેશ છે. LNG એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસને -162°C તાપમાન પર ઠંડો કરીને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ગેસનો ઉપયોગ ભારતની અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ સમાન ઉદ્યોગો જેવા કે:

  • વીજળી ઉત્પાદન અને સ્ટીલ-સિમેન્ટ ઉદ્યોગમાં.

  • ખાતર ઉદ્યોગ (જે ખેતી માટે અનિવાર્ય છે).

  • ઘરગથ્થુ રસોઈ ગેસ (PNG) અને વાહન વ્યવહારમાં.

ભારત મુખ્યત્વે કતાર, અબુ ધાબી અને ઓમાન જેવા ખાડી દેશો પાસેથી ગેસ ખરીદે છે. યુદ્ધના કારણે જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબો સમય બંધ રહે, તો ભારતમાં ગેસના ભાવ આસમાને પહોંચી શકે છે અને પુરવઠો ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ ટેન્કરનું ભારત પહોંચવું એ દેશની ઊર્જા સુરક્ષા માટે મોટી જીત માનવામાં આવે છે.

પાકિસ્તાન સામે સર્જાયું મોટું સંકટ

એક તરફ ભારત સુરક્ષિત રીતે પોતાનો પુરવઠો મેળવી રહ્યું છે, ત્યારે બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે પાકિસ્તાન પાસે માત્ર 5 થી 7 દિવસનો જ ક્રૂડ ઓઈલનો સ્ટોક બચ્યો હોવાના અહેવાલ છે. ભારતની મજબૂત રાજદ્વારી વ્યૂહરચનાને કારણે ઈરાને ભારતીય જહાજો પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જેનો સીધો ફાયદો અત્યારે દેશને મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now